સોના-ચાંદીના ઘરેણા, મોબાઇલ અને બાઇક કબ્જે: ચાર ગુનાનો ભેદ ઉકેલાયો
શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર રામાપીર ચોકડી પાસેથી ગાંધીગ્રામ પોલીસે ચાર શખ્સોને ઝડપી પૂછપરછ કરતા તેઓએ ચાર સ્થળે ચોરી કર્યાની કબુલાત આપી છે. પોલીસે તેની પાસેથી બાઇક, મોબાઇલ અને સોના-ચાંદીના ઘરેણા કબ્જે કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પરસાણાનગરના પ્રજ્ઞેશ અનિલ જેઠવા, ભગવતીપરાના રવિ વિનોદ કબીરા, કોઠી કમ્પાઉનના રોહિત રમેશ વાળા અને સાંઢીયા પુલ સ્લમ કવાર્ટરના મિતેશ રવિ વાઘેલા નામના શખ્સોને રામાપીર ચોકડી પાસેથી ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. વી.વી.ઓડેદરા, પી.એસ.આઇ. જે.એમ.ભટ્ટ, કોન્સ્ટેબલ રાહુલભાઇ, કિશોરભાઇ ઘુઘલ અને વિરભદ્રસિંહ ગોહિલ સહિતના સ્ટાફે ઝડપી લીધા હતા.
ચારેય શખ્સોની પૂછપરછ દરમિયાન ગત તા.૩ જુલાઇએ મોચીનગર-૬માંથી રોકડ રૂ.૨૩,૩૮૦ની રોકડ, ચાર મોબાઇલની ચોરી કર્યાની કબુલાત આપી છે. ગાંધીગ્રામમાંથી બાઇક ચોર્યાની, આજી ડેમ પાસે એટીએમમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યાની તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી બાઇક ચોર્યાની કબુલાત આપી છે. પોલીસે ચારેય શખ્સો પાસેથી ૨૨ મોબાઇલ, સોનાના ઘરેણા અને બે બાઇક કબ્જે કર્યા છે.