સ્વાતંત્ર્યના પર્વની પૂર્વ સંધ્યાએ ‘યાદ કરો કુરબાની’ અંતર્ગત શહેરભરમાં ત્રિરંગાયાત્રા ઘુમી વળશે
રાજય સરકાર દ્વારા દેશભરમાં રાષ્ટ્રઘ્વજ પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના પેદા થાય તે માટે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ આગામી તા.૧૪મી ઓગસ્ટના રોજ દરેક જિલ્લાના મુખ્ય મથકે ત્રિરંગાયાત્રાનું ભવ્ય આયોજન કરવા આદેશ આપવામાં આવતા જિલ્લા કલેકટર તંત્ર દ્વારા રાજકોટમાં ‘યાદ કરો કુરબાની’ અંતર્ગત ત્રિરંગાયાત્રા યોજવા નકકી કરાયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ‘જરા યાદ કરો કુરબાની’ અંતર્ગત ત્રિરંગાયાત્રા યોજવાનો આદેશ કરાતા આગામી તા.૧૪ના રોજ સાંજે ૫:૩૦ કલાકે શહેરના મુખ્યમાર્ગો પર વિશાળ ત્રિરંગાયાત્રા યોજવામાં આવશે. આ ત્રિરંગાયાત્રામાં સૌથી આગળ પોલીસની ખુલ્લી જીપ રહેશે અને ૬૪નો રાષ્ટ્રઘ્વજ હશે. ત્યારબાદ પોલીસ બેન્ડ ઉપરાંત ૭૨ બાઈક પર ૧૪૪ જવાનો આ યાત્રામાં જોડાશે.
વધુમાં ત્રિરંગાયાત્રામાં સૌથી આગળ પોલીસ જવાનો યુનિફોર્મમાં સજજ હશે અને ત્યારબાદ પોલીસ જવાન, એનસીસીના કેડેટ, કોલેજના વિદ્યાર્થીઓ, વિવેકાનંદ યુવક મંડળના સભ્યો, મહિલા મંડળના સભ્યો જોડાશે. આ ત્રિરંગાયાત્રામાં રાષ્ટ્રઘ્વજમાં માત્ર આગળની ખુલ્લી જીપમાં રહેશે. જયારે બાઈક સવારો પાસે અશોક ચક્ર વગરના તિરંગા ઘ્વજ રાખવાના રહેશે. ત્રિરંગા ઘ્વજની સાઈઝ ૩૨ ફુટ રાખવાની રહેશે અને તમામ ત્રિરંગા ઘ્વજ કાપડના જ રાખવા આદેશ જારી કરાયો છે.
વધુમાં આ ત્રિરંગાયાત્રામાં સ્થાનિક કક્ષાએ રૂટ નકકી કરી મહાપાલિકા વિસ્તારમાં મુખ્યમાર્ગો પર ત્રિરંગાયાત્રા નિકળશે અને ખુલ્લી જીપમાં રહેલા ત્રિરંગા ઘ્વજનું નાગરિકો દ્વારા પુષ્પની પાંખડીઓથી સન્માન થાય તેવું આયોજન ગોઠવવા સુચના આપવામાં આવી છે.
સ્વતંત્રપર્વની પૂર્વ સંઘ્યાએ યોજાનારા આ ત્રિરંગાયાત્રામાં સાંસદ સભ્યો, ધારાસભ્યો, સ્થાનિક અગ્રણીઓ, તબીબો, એડવોકેટ સહિતના તમામ લોકોને જોડવા માટે સરકાર તરફથી સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.