તરઘડી ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાંથી સરકારી ખરાબામાં ન્યારી પેલેસ હોટેલનું શૌચાલય અને ગાર્ડન ઉભુ કર્યું
મગફળી કૌભાંડમાં સંડોવાયેલા મગન ઝાલાવડીયા સરકારી ગ્રાન્ટની ઉચાપત કરી જવામાં પણ ઉસ્તાદ છે. પડધરી તાલુકામાં પોતાની રાજકીય વગનાં કારણે અનેક સરકારી ગ્રાન્ટો ચાઉ કરી ગયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. તેઓની માલિકીની ન્યારી પેલેસ હોટલમાં શૌચાલય અને ગાર્ડન પણ ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાંથી બનાવ્યું હોવાનું સામે આવ્યું છે.
ગુજકોટના ગોડાઉન મેનેજર મગન ઝાલાવડીયાએ આચરેલું મગફળી કૌભાંડ બહાર આવી ગયું છે. મગફળીમાં ભેળસેળ ઉપરાંત તેઓએ અગાઉ કરેલા કૌભાંડો પણ સામે આવી રહ્યા છે. પોતાની રાજકીય વગથી તેઓ અનેક સરકારી ગ્રાન્ટો ચાઉ કરી ગયા છે. તરઘડી ગામ પાસે રાજકોટ-જામનગર હાઈવે પર મગન ઝાલાવડીયાની માલીકીની ન્યારી પેલેસ હોટેલ આવેલી છે. આ હોટેલની અનેક સુવિધાઓ તરઘડી ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાંથી ઉભી કરવામાં આવી છે.
હાલ ન્યારી પેલેસ હોટેલનું જે શૌચાલય છે તે તરઘડી ગ્રામ પંચાયતનું છે. આ શૌચાલય ઉપર તરઘડી ગ્રામ પંચાયત સંચાલિત તેવું લખાણ પણ લખવામાં આવ્યું હતું પરંતુ હોટેલનાં મેનેજમેન્ટ દ્વારા આ લખાણ કાઢી નાખવામાં આવ્યું છે. ન્યારી પેલેસ હોટેલના માલિક મગન ઝાલાવડીયાએ તરઘડી ગ્રામ પંચાયત પાસેથી રૂ.૧.૫૦ લાખની ગ્રાન્ટ લઈને હોટેલનાં બાંધકામનાં પ્લાન મુજબ સરકારી ખરાબામાં શૌચાલય અને ગાર્ડન ઉભુ કર્યું હતું.
સરકારી ચોપડે આ શૌચાલય અને ગાર્ડન તરઘડી ગ્રામ પંચાયતનું બોલતું હતું અને તેનો ઉપયોગ સમસ્ત ગામ કરતું હોવાનું દર્શાવાતું હતું પરંતુ હકિકતમાં શૌચાલય અને ગાર્ડન ન્યારી પેલેસના સંકુલમાં એ રીતે બનાવવામાં આવ્યું હતું કે તેનો ઉપયોગ માત્ર હોટેલનાં ગ્રાહકો જ કરી શકે. આ ઉપરાંત અગાઉ તો ગાર્ડનમાં પ્રવેશ ફી પણ ઉઘરાવવામાં આવતી હતી. આ દિશામાં જો પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવે તો અનેક ગેરરીતિઓ સામે આવી શકે તેમ છે.