ગોંડલમાં કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ અને પાનેલીમાં શાળાનું નામકરણ કરાશે
૪૨ કરોડના ખર્ચે નવી બનેલી કોર્ટ લોકાર્પણ શે: ૭ કોર્ટ સીફટ કરાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી તા.૧૧મીના રોજ ગોંડલ ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ કરશે. ઉપરાંત ઉપલેટા તાલુકાના પાનેલી ગામે શાળા બિલ્ડીંગનું નામકરણ કરશે. મુખ્યમંત્રીના આગમનના પગલે કલેકટર કચેરીથી લઈ ઉપલેટા મામલતદાર કચેરી સુધી તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી તા.૧૧મીના રોજ રાજકોટ જિલ્લાની મુલાકાતે આવી રહ્યાં છે. આ મુલાકાત દરમિયાન તેઓ ગોંડલમાં રૂ.૪૨ કરોડના ખર્ચે નિર્માણ થયેલ અદ્યતન કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ કરશે. આ કોર્ટ બિલ્ડીંગમાં ૭ કોર્ટને શીફટ કરાશે ઉપરાંત નવી ૨૮ જેટલી કોર્ટ શરૂ થઈ શકે તેટલી વિશાળ બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે.
વધુમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તા.૧૧ના રોજ ઉપલેટા તાલુકાના પાનેલી ગામે નિર્માણ થયેલી શાળાને સ્વ.ડે.કલેકટર પંકજસિંહ જાડેજાનું નામકરણ કરશે. ઉલ્લેખનીય છે કે, ઉપલેટા મામલતદાર તરીકે લાંબો સમય ફરજ બજાવનાર પંકજસિંહ જાડેજા ડે.કલેકટર તરીકે પ્રમોશન મેળવ્યા બાદ માર્ગ અકસ્માતમાં તેઓનું નિધન થતા પાનેલીના લોકોની લાગણીને ધ્યાનમાં લઈ શાળાને પંકજસિંહ જાડેજા નામકરણ કરવામાં આવશે.