ફ્રન્ટ માર્જીન રોડથી ૩ ફુટ સુધી ઉંચુ: લાખો રૂપિયાના ખર્ચે માર્જીનમાં બ્યુટીફીકેશનની કામગીરી ચાલતી હતી: બે દિવસમાં માર્જીન લેવલ ઝીરો કરવા મ્યુનિ.કમિશનરની તાકીદ
શહેરના રાજમાર્ગો પર માર્જીન પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણો દુર કરવા માટે કોર્પોરેશન દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત નાના વેપારીઓની દુકાન પાસે સામાન્ય ઓટલાઓ પણ જમીન દોસ્ત કરી દેવામાં આવે છે. જયારે મોટા મગરમચ્છોને દબાણની છુટ આપવામાં આવી હોય તેવો માહોલ સર્જાયો છે. શહેરના શાસ્ત્રીમેદાન સામે હોટલ હાર્મનીની બાજુમાં નવા બની રહેલા ઈમ્પીરીયા બિલ્ડીંગના ફ્રન્ટ માર્જીનની જગ્યામાં બેફામ દબાણ હોવાનું ધ્યાનમાં આવતા આજે સવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ રૂબરૂ ત્રાટકયા હતા. તેઓએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને ટીપીઓ એમ.ડી.સાગઠીયાને રૂબરૂ ઘટનાસ્થળે બોલાવી માર્જીનમાં ખડકાયેલા દબાણો બતાવ્યા હતા. બે દિવસમાં જ માર્જીન લેવલ ઝીરો કરવા માટે ઈમ્પીરીયા બિલ્ડીંગના બિલ્ડરને મહાપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના શાસ્ત્રીમેદાન સામે ઈમ્પીરીયા નામનું એક નવું કોમર્શીયલ બિલ્ડીંગ બની રહ્યું છે. બાંધકામ પૂર્વે રોડની ફ્રન્ટ સાઈડ પર છોડવામાં આવેલા માર્જીન પાર્કિંગની જગ્યા પર દબાણ ખડકી દેવામાં આવ્યું હોવાનું ધ્યાને આવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે ગત ૧લી ઓગસ્ટના રોજ પોતાના મોબાઈલમાં માર્જીનમાં ખડકાયેલા દબાણનો ફોટો પાડી ટીપીઓ એમડી સાગઠીયાને દબાણ દુર કરવા માટે તાકીદ કરી હતી. દરમિયાન ૬ દિવસ સુધી દબાણ યથાવત રહેતા આજે સવારે સ્ટે.ચેરમેન રૂબરૂ બિલ્ડીંગ સાઈટ પર ત્રાટકયા છે. ઈમ્પીરીયા બિલ્ડીંગમાં છોડવામાં આવેલું આશરે ૨૦ ફુટ સુધીના ફ્રન્ટ માર્જીનને રોડ લેવલથી ૩ ફુટ સુધી ઉંચુ લઈ લેવામાં આવ્યું હતું આટલું જ નહીં માર્જીનની જગ્યામાં બ્યુટીફીકેશન અને પ્લાટેશનની કામગીરી ચાલી રહી હતી હજી તો બિલ્ડીંગના વપરાશ માટે કમ્પ્લીશન સર્ટીફીકેટ મળ્યું નથી ત્યાંજ માર્જીનની જગ્યામાં દબાણ ખડકી દેવામાં આવ્યું હોવાનું નજરે પડતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. ચેરમેને ઘટના સ્થળે ખુદ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યા બાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને ટીપીઓ એમ.ડી.સાગઠિયાને આ વાતની જાણ કરતા તેઓ પણ બાંધકામ સાઈટ પર દોડી આવ્યા હતા અને બિલ્ડરને ૪૮ કલાકમાં માર્જીન લેવલ ઝીરો કરવા તાકીદ કરવામાં આવી હતી.
કમ્પ્લીશન પહેલા જ માર્જીનની જગ્યામાં દબાણ ! કોના ચાર હાથ
સામાન્ય રીતે કમ્પ્લીશન સર્ટીફીકેટ એટલે કે મિલકતનો વપરાશ કરવાનું પ્રમાણપત્ર મળ્યા બાદ બાંધકામ કરવા માટે નિયમ મુજબ છોડવામાં આવેલા સાઈડ માર્જીન, ફ્રન્ટ માર્જીન કે બેક માર્જીનમાં વધારાનું બાંધકામ કરતા હોય છે પરંતુ શાસ્ત્રીમેદાન સામે આવેલા ઈમ્પીરીયા બિલ્ડીંગને હજી કોર્પોરેશનની ટીપી શાખા દ્વારા કમ્પ્લીશન સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યું નથી ત્યાં માર્જીન લેવલ રોડથી ૩ ફુટ ઉંચુ લઈ લેવામાં આવ્યું છે અને લાખો રૂપિયાના ખર્ચે માર્જીનની જગ્યામાં બ્યુટીફીકેશનની કામગીરી ચાલી રહી હતી. માર્જીનમાં ગેરકાયદે દબાણ હોવા છતાં ટીપી શાખાના અધિકારીઓને ચાર હાથ હોય પોતાને કમ્પ્લીશન સર્ટીફીકેટ મળી જશે તેવા ભ્રમમાં બિલ્ડરો હોય તેવું લાગી રહ્યું છે. ઈમ્પીરીયા બિલ્ડીંગના બિલ્ડર પર કોના ચાર હાથ હશે તે પણ ચર્ચાનો વિષય બની ગયો છે.
દબાણો તુટશે જ,વેપારીઓ સહકાર આપે: ઉદય કાનગડ
એક ફુટ સુધીના ઓટલા સહિતના દબાણો નહીં હટાવાય
શહેરના રાજમાર્ગો અને ફુટપાથને દબાણમુકત રાખવા માટે કોર્પોરેશન દ્વારા સતત દબાણ હટાવ કામગીરી ચાલુ રાખવામાં આવશે. જેમાં કોઈ ચરમબંધી ચલાવી લેવામાં આવશે નહીં. વેપારીઓ સ્વયંભુ દબાણો ન કરે અને કોર્પોરેશનને સહકાર આપે તેવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે, કોર્પોરેશનના ભાજપના શાસકો વેપારીઓના પડખે જ છે પરંતુ વેપારીઓ પણ દુકાન આસપાસ પાંચ-પાંચ ફુટના દબાણો ન કરે તે પણ આવશ્યક છે. એક ફુટ સુધીના ઓટાને હટાવવામાં નહીં આવે પરંતુ તેથી વધુ દબાણ હશે તો તે તોડી પાડવામાં આવશે. બીજી તરફ મહાપાલિકાના સ્ટાફને વેપારીઓ સાથેના વર્તન દરમિયાન સંયમ રાખવા સ્ટેન્ડિંગ ચેરમેને તાકીદ કરી છે.