એસ્ટ્રોજન, ટેસ્ટોસ્ટેરોન, એડ્રિનલિન, ઇન્સ્યુલિન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિઝોલ જેવાં અલગ-અલગ ઘણાં હોર્મોન્સ છે
ઘણા લોકો છે જે સવારે ઊઠીને પણ એનર્જીથી ભરપૂર હોતા નથી અને એટલે જ તેમને ચા-કોફી કે બીજા કોઈ એનર્જી ડ્રિન્કની મદદ લેવી પડે છે. આ અવસ્થા પાછળ તમારા શરીરમાં રહેલાં હોર્મોન્સનું ઇમ્બેલેન્સ જવાબદાર છે. હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય તો કયા પ્રકારનાં ચિહ્નો હોય જેનાથી ખબર પડે કે ઇમ્બેલેન્સ થયું છે
હેલ્ધી વ્યક્તિ તેને જ માનવામાં આવે છે જે બેલેન્સમાં રહે છે. જો તમારું શારીરિક અને માનસિક બેલેન્સ જળવાઈ રહેતું હોય તો કોઈ રોગ તમારા શરીરમાં ઘર નહીં કરી શકે. આ બેલેન્સ શું છે? આ બેલેન્સમાં ઘણુંબધું આવી જાય છે, જેમાં એક મહત્વનું પરિબળ છે હોર્મોન્સ. શરીરમાં હોર્મોન્સનું ઘણું મહત્વ છે. સામાન્ય મૂડ જાળવવાથી લઈને વાળ ટકાવવા સુધી અને શુગરને ઠીક રાખવાથી લઈને શાંતિથી સૂવા માટે પણ આપણને હોર્મોન્સની જરૂર રહે છે. હોર્મોન્સનું કામ અતિ મહત્વનું છે અને જો એમાં કોઈ ગડબડ થાય તો શરીરમાં જે ઇમ્બેલેન્સ રચાય છે એને કારણે ઘણા રોગો શરૂ થઈ જતા હોય છે. આજે સમજીએ કે શરીરમાં જો હોર્મોનલ ઇમ્બેલેન્સ રચાય તો કઈ રીતે ખબર પડે?
હોર્મોનલ ઇમ્બેલેન્સ એટલે શું?
એસ્ટ્રોજન, ટેસ્ટોસ્ટેરોન, એડ્રિનલિન, ઇન્સ્યુલિન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિઝોલ જેવાં અલગ-અલગ ઘણાં હોર્મોન્સ છે જે શરીરમાં જુદી-જુદી ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થાય છે. આ દરેક હોર્મોન શરીરનાં ઘણાં કામ સાથે સંકળાયેલાં હોય છે. હોર્મોન્સ જુદી-જુદી ગ્રંથિમાં બનતાં હોય છે. જો એ જરૂર કરતાં વધુ બને કે પછી જરૂર કરતાં ઓછા પ્રમાણમાં બને તો એનું ઇમ્બેલેન્સ સર્જાય છે. હોર્મોન્સને લગતી જે સિસ્ટમ શરીરમાં કાર્યરત છે એને આપણે એન્ડોક્રાઇન સિસ્ટમ કહીએ છીએ. એમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ સર્જાય એટલે હોર્મોન્સનું ઇમ્બેલેન્સ શરૂ થાય છે.
ઊથલપાથલ થાય કઈ રીતે?
હોર્મોનલ ઇમ્બેલેન્સ વધવાનું એક મુખ્ય કારણ સ્ટ્રેસ છે. આ સ્ટ્રેસ કઈ રીતે હોર્મોન્સને ઇમ્બેલેન્સ કરે છે એ જણાવતાં ન્યુટ્રિશન કહે છે, આપણા જીવનમાં વધતા રોજબરોજના સ્ટ્રેસને કારણે એડ્રિનલિન ગ્રંથિ વધુ પ્રમાણમાં કોર્ટિઝોલ હોર્મોનનું નિર્માણ કરે છે. જ્યારે શરીરમાં કોર્ટિઝોલનું પ્રમાણ વધે છે ત્યારે થાઇરોક્સિન, ઉઇંઊઅ અને ટેસ્ટોસ્ટેરોન જેવાં હોર્મોન્સની સંખ્યા ઘટે છે. આપણા શરીરમાં એક સિસ્ટમ જ એવી બને છે કે એક હોર્મોનની સંખ્યા વધે કે એની
સાથે-સાથે બીજાં ૫-૭ જુદાં-જુદાં હોર્મોન્સની સંખ્યા ઘટે છે. આ રીતે ઇમ્બેલેન્સ સર્જાય છે. આમ જો બેલેન્સ જાળવવું હોય તો દરેક હોર્મોનની સંખ્યા નિશ્ચિત જ હોવી જોઈએ અને એના પ્રમાણથી એ વધવું ન જોઈએ.
હોર્મોનલ ઇમ્બેલેન્સ થયું છે એ ખબર કઈ રીતે પડે?
આપણું શરીર ભગવાને એવું બનાવ્યું છે કે મોટા ભાગે કંઈ ઊથલપાથલ થાય તો કોઈ ને કોઈ ચિહ્નો દ્વારા એ આપણને જાણ કરે છે. આ ચિહ્નોને ઓળખવાં મહત્વનાં છે. લ્યુક કુટિન્હો પાસેથી જાણીએ એનાં ચિહ્નો વિશે.
સ્ત્રીઓમાં જો હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય તો સૌથી પહેલી અસર માસિક પર દેખાય છે. એનું માસિક અનિયમિત થઇ જાય અથવા એ દરમિયાન વધુ તકલીફો થાય. આજકાલ ૧૩-૧૪ વર્ષની છોકરીઓથી માંડીને ૩૫-૪૫ વર્ષની સ્ત્રીઓને પણ માસિક સ્માંબંધિત અનેક સમસ્યાઓ છે જેના મૂળમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ રહેલું છે.
અમુક સ્ત્રીઓ એવી છે જેને ઘણા સમય કોશિષ કરવા છતાં બાળક ન થતું હોય અને ચેક કરાવે તો ખબર પડે છે કે તેમને હોર્મોન્સ સંબંધિત તકલીફ છે. આમ ઇન્ફર્ટિલિટી પાછળનું કારણ પણ મોટા ભાગે હોર્મોનલ ઇમ્બેલેન્સ જ હોય છે.
કોઈ વ્યક્તિને માનસિક રોગ જેમ કે ડિપ્રેશન કે ઍન્ગ્ઝાયટી હોય તો આ રોગ પણ સૂચક છે કે તેને હોર્મોન્સ સંબંધિત તકલીફ હોઈ શકે છે. વ્યક્તિને શાંત રાખવા અને ખુશ રાખવા માટે હોર્મોન્સની ઘણી જરૂર પડે છે. મૂડ સ્વિન્ગ્સ અને ઇરિટેશન જો સતત રહેતું હોય તો પણ એવું બની શકે કે વ્યક્તિને હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય.જે વ્યક્તિનું એકદમ જ વજન ખૂબ વધી જાય અથવા તો વજન ઉતારવા માટે પ્રયત્ન કરે, પરંતુ એમાં સફળતા ન મળે એ વ્યક્તિને હોર્મોનલ ઇમ્બેલેન્સ હોવાની પૂરી શક્યતા છે. થાઇરોઇડ ગ્રંથિની તકલીફને કારણે વજન પર અસર થતી દેખાય છે. આ હોર્મોન્સના ઇમ્બેલેન્સને કારણે એવું પણ બને છે કે વજન એકદમ જ ઊતરી જાય. તમે ખૂબ દૂબળા થઈ જાઓ. સતત આળસ અને થાક એ આજકાલ લોકોમાં ઘણાં સામાન્ય બનતાં જાય છે. એનાં ઘણાં કારણોમાં એક મહત્વનું કારણ હોર્મોનલ ઇમ્બેલેન્સ છે. જો તમને સવારે ઊઠવા માટે એક કપ કોફી કે ચાની જરૂર પડતી જ હોય એટલે કે ચા કે કોફી વગર તમારી સવાર પડતી જ ન હોય તો એનો મતલબ એ છે કે તમને હોર્મોનલ ઇમ્બેલેન્સ છે. મગજ અને શરીરને આગળ ધકેલવા માટે ચા કે કોફી કે બીજાં એનર્જી પીણાંઓની જરૂર પડ્યા કરે એ સારી બાબત નથી. આજકાલ લોકો એને નોર્મલ માને છે, પરંતુ એ નોર્મલ છે નહીં.
આજકાલ ઘણા લોકો અપૂરતી ઊંઘનો શિકાર હોય છે. અપૂરતી ઊંઘ પાછળ મુખ્ય કારણ તરીકે હોર્મોનલ ઇમ્બેલેન્સ રહેલું છે. એ બાબતે લોકો ઊંઘની ગોળીઓ લે છે, બીજા ઘણા પ્રયોગો કરે છે; પરંતુ હકીકત એ છે કે જ્યાં સુધી હોર્મોનલ બેલેન્સ ન સર્જાય ત્યાં સુધી અપૂરતી ઊંઘની સમસ્યા જડથી જતી નથી. સેક્સ માટેની ઇચ્છા ન થવી કે એ પ્રત્યે અરુચિ પાછળ પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ જવાબદાર હોઈ શકે છે. મોટા ભાગે સ્ત્રીઓમાં આ પ્રકારની તકલીફ મેનોપોઝની આસપાસના સમયમાં, પ્રેગ્નન્સી દરમ્યાન, ડિલિવરી પછી જ્યારે સ્તનપાન કરાવતી હોય ત્યારે કે માસિકની આસપાસના સમયમાં આ તકલીફ જોવા મળે છે જે થોડા સમય પૂરતી હોય છે.
એની મેળે બેલેન્સ સ્થપાય પછી વાંધો નથી આવતો, પરંતુ જો તમને સતત અને લાંબા સમય સુધી આ તકલીફ રહે છે તો હોર્મોન્સને બેલેન્સ કરવાં અનિવાર્ય થઈ જાય છે.
કોઈ પણ પ્રકારની પાચન સંબંધિત તકલીફો હોય; જેમાં ઍસિડિટી, બ્લોટિંગ, અપચો જેવી તકલીફો હોય તો એ તકલીફો પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ જ ગણાય છે.
આ સિવાય વાળ પાતળા થઈ જાય, ખૂબ ખરવા લાગે અને સ્કિન એકદમ નિસ્તેજ થઈ જાય તો પણ હોર્મોનલ ઇમ્બેલેન્સની સમસ્યા હોઈ શકે છે. મોટા ભાગે પુરુષોને ૪૦ વર્ષની ઉંમર પછીથી માથે ટાલ પડવાનું શરૂ થાય છે. આ સમયે તેમના શરીરમાં જે પ્રકારનું ઇમ્બેલેન્સ સર્જાય છે એની અસર સીધી વાળ પર દેખાય છે.
આ સિવાય જેમને ડાયાબિટીઝ છે એટલે કે શુગરની સમસ્યા છે એ રોગની પાછળ પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ જ જવાબદાર હોય છે. એટલે જ જે લોકો પ્રી-ડાયાબેટિક સ્ટેજ પર હોય છે તેમનાં હોર્મોન બેલેન્સમાં કરીએ તો તેમને ડાયાબિટીઝથી બચાવી શકાય છે. જો તમારી શુગર ઉપર-નીચે થતી હોય તો એનું કારણ પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ જ હોય છે, કારણ કે શુગરને મેનેજ કરતું હોર્મોન ઇન્સ્યુલિન છે. ઇન્સ્યુલિન પૂરતી માત્રામાં ન બનતું હોય અથવા તો બનતું હોય છતાં કોષ એનો ઉપયોગ શુગરને વાપરવા માટે પૂરી રીતે ન કરી શકતા હોય તો ડાયાબિટીઝ સામે આવે છે.