ટીકર ગામની પ્રાથમિક શાળા પાસેથી શંકાસ્પદ શખ્સની તપાસ હાથ ધરાતા દેશી બંદુક મળી આવી ઃ એસઓજીએ શખ્સને હળવદ પોલીસ મથકે સોંપ્યો
હળવદ તાલુકાના ટીકર ગામે જિલ્લા એસઓજી ટીમ દ્વારા એક શખ્સને દેશી બંદુક સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજરોજ તાલુકાના ટીકર ગામે જિલ્લા એસઓજી ટીમના પી.આઈ. એસ.એન. સાટીના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ પંથકમાં પેટ્રોલીંગમાં હોય તે અરસામાં કિશોરભાઈ મકવાણા, ભરતસિંહ ડાભીને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે તાલુકાના ટીકર ગામે આવેલ પ્રાથમિક શાળા પાસે પસાર થતા બચુ મોહન કોળી રહે. ટીકરને શંકાસ્પદ હાલતમાં પસાર થતા એસઓજી ટીમ દ્વારા આકરી પુછપરછ કરી તપાસ કરતા તેની પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટની મજલ લોડ, સીંગલ બેરર નાનો ટુકડો બંદુક સાથે ઝડપી પાડી આર્મ એકટ તથા જીપીએકટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હળવદ પોલીસ મથકે લઈ આવી હળવદ પોલીસને સોંપવામાં આવેલ. આ કામગીરી મોરબી જિલ્લા એસઓજી ટીમના પી.આઈ. એસ.એન.સાટી, શંકરભાઈ ડોડીયા, કિશોરભાઈ મકવાણા, જયસુખભાઈ વસીયાણી તથા ભરતસિંહ ડાભીએ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા એસઓજી ટીમ દ્વારા માત્ર એક માસના ટુંકાગાળામાં પંથકમાંથી ગેરકાયદેસર હથિયાર ઝડપવાના બનાવોમાં નોંધપાત્ર કામગીરી કરી છે. ત્યારે પંથકમાં ગેરકાયદેસર હથિયાર રાખતા શખ્સોમાં ફફડાટ સાથે દોડધામ મચી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.