રાજકોટ જિલ્લાના જેતપુરના પેઢલા ગામે નાફેડે ભાડે રાખેલા ગોડાઉનની મગફળીમાંથી ધૂળ, માટીના ઢેફા નીકળતા કૌભાંડ બહાર આવ્યું હતું. કૌભાંડમાં સંડોવાયેલા 22 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. જેમાં નાફેડના ચેરમેન વાઘજી બોડાનો કૌટુંબિક ભત્રીજો રોહિત બોડા, સૌરાષ્ટ્ર વેરહાઉસના મેનેજર મગન જાલાવડિયા, ધણેજ સહકારી મંડળીના પ્રમુખ કાળુભાઇ, 4થી વધુ અધિકારીઓ અને સહકારી મંડળીના 15થી વધુ શખ્સોનો સમાવેશ થાય છે.
31 જુલાઇના રોજ ફરિયાદી અને સૌરાષ્ટ્ર ઝોન વેરહાઉસિંગના મેનેજર મગનભાઇ નાનજીભાઇ જાલાવડીયાએ જેતપુરના પેઢલા ગામના ગોડાઉનમાં ધણેજની સહકારી મંડળીએ ખરીદ કરેલી મગફળીમાં ધૂળ અને કાંકરી નીકળતા જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જેમાં 31 હજાર મગફળીની ગુણીમાં ભેળસેળ થયાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આથી પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી અને કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓની પૂછપરછમાં મગન જાલાવડિયા સહિતનાઓના નામ કૌભાંડમાં ખુલ્યા હતા અને ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદીએ જે તે સમયે હોબાળો કરતા પોલીસને તેના પર શંકા ગઇ હતી. ગુજકોટ અને નાફેડના લોકોના બેદરકારી સામે આવી છે.