મહેસુલ સચિવની ટીમ દ્વારા તમામ શાળાઓની મુલાકાત લઈ અધિકારી, કર્મચારીઓના અભિપ્રાય પણ લેવાયા
રાજયના મહેસુલ વિભાગના નાયબ સચિવ સહિતની ટીમ આજે અચાનક જ રાજકોટ જિલ્લા કલેકટર કચેરીની મુલાકાતે આવી હતી અને જુદા જુદા વિભાગોની જાત માહિતી મેળવી જનસુવિધા કેન્દ્રી લઈ અન્ય વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી.સાથે સાથે જુદી જુદી શાખાઓના વડા અધિકારીઓ પાસેથી અભિપ્રાયો પણ મેળવ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ આજરોજ ગાંધીનગરથી નાયબ મહેસુલ સચિવ, સેકસન ઓફિસર સહિતના પાંચ અધિકારીઓની ટીમ દ્વારા જિલ્લા કલેકટર કચેરીની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન મહેસુલી વિભાગના અધિકારીઓ દ્વારા બિનખેતી શાખા, અપીલ શાખા, મહેસુલ શાખા, મહેકમ શાખા સહિતના જુદા જુદા વિભાગોની મુલાકાત લીધી હતી અને અપીલ કેસો, તુમાર, પડતર નોંધ સહિતની કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. સાથો સાથ અધિકારીઓની આ ટીમ દ્વારા જન સેવા કેન્દ્રો અને ઝોનલ કચેરીની પણ મુલાકાત લેવામાં આવી હતી.
વધુમાં નાયબ સચિવ મહેસુલની અધ્યક્ષતામાં આવેલી ટીમે નિવાસી અધિક કલેકટર સાથે પણ ચર્ચા-વિચારણા કરી હતી અને જુદી જુદી શાખાઓની મુલાકાત દરમિયાન શાખા અધિકારીઓ પાસેથી અભિપ્રાયો પણ મેળવ્યા હતા. અચાનક જ રાજકોટ કલેકટરની મુલાકાતે આવેલી મહેસુલ વિભાગની ટીમને કારણે કચેરીમાં સન્નાટો પણ મચી જવા પામ્યો હતો.