મહિલાઓએ મેયર ચેમ્બરમાં છાજીયા લીધા: સ્ટે.ચેરમેન ઉદયભાઈ સ્થળ તપાસ માટે માલધારીઓ સાથે રૂબરૂ દોડી ગયા: વાડામાંથી પકડેલા પશુઓને છોડી મુકવા આદેશ
કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી દ્વારા આજે સવારે શહેરના સામાકાંઠા વિસ્તારમાં મોરબી રોડ પર જય જવાન, જયકિશાન સોસાયટી નજીક માલધારીઓના વાડામાંથી ઢોર પકડવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આજે મેયર ચેમ્બરમાં માલધારીઓએ ધરણા પર બેસી ગયા હતા અને ભાજપના શાસકો તથા કોર્પોરેશનના અધિકારીઓ વિરુઘ્ધ બેફામ સુત્રોચ્ચાર કર્યા હતા. માલધારીઓના આક્ષેપના પગલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ તપાસ અર્થે રૂબરૂ ઘટના સ્થળે દોડી ગયા હતા અને વાડામાંથી પકડાયેલા પશુઓને તત્કાલ છોડી દેવા સુચના આપી હતી.
કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટી દ્વારા આજે સવારે મોરબી રોડ પરથી કેટલાક ઢોર પકડવામાં આવ્યા હતા. દરમિયાન માલધારી અગ્રણી રણજીત મુંધવા અને મેરામણભાઈ સુધી એવી ફરિયાદ પહોંચી હતી કે ઢોર પકડ પાર્ટીએ માલધારીઓના વાડામાંથી ઢોર પકડયા છે. આ ફરિયાદ મળ્યા બાદ માલધારીઓનું ટોળુ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધસી આવ્યું હતું અને મેયર બીનાબેન આચાર્યની ચેમ્બરમાં ધરણા પર બેસી ગયું હતું. જયાં સુધી વાડામાંથી પકડવામાં આવેલા ઢોર છોડવામાં નહીં આવે ત્યાં સુધી મેયર ચેમ્બરમાં ધરણા પર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી હતી. માલધારી સમાજની મહિલાઓએ મેયર હાય…હાય… ભાજપ હાય…હાય…, કોર્પોરેશન હાય…હાય…, ઢોર પકડ પાર્ટી હાય…હાય… જેવા સુત્રોચ્ચારો પોકાર્યા હતા અને મેયર ચેમ્બરમાં જ છાજીયા લીધા હતા. મામલો વધુ ઉગ્ર બનતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા અને શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી સહિતના પદાધિકારીઓ મેયર ચેમ્બરમાં દોડી આવ્યા હતા. ઢોર પકડ પાર્ટીના અધિકારીઓએ એક જ રટણ ચાલુ રાખ્યું હતું કે, માલધારીઓના વાડામાંથી ઢોર પકડવામાં આવ્યા નથી. રોડ પર રખડતા ઢોર પકડવામાં આવ્યા છે.
દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ માલધારીઓ સાથે રૂબરૂ ઘટનાસ્થળે દોડી ગયા હતા તેઓએ એવી પણ તાકીદ કરી હતી કે જો ખાનગી પ્લોટ કે મહાપાલિકાના પ્લોટમાંથી ઢોર પકડવામાં આવ્યા હશે તો તેને છોડવામાં આવશે નહીં. જોકે ઘટના સ્થળે પહોંચયા બાદ તેઓને એવું માલુમ પડયું હતું કે, ખરેખર ઢોર વાડામાંથી પકડવામાં આવ્યા છે ત્યારે તેઓએ ઢોર પકડ પાર્ટીને તાત્કાલિક તમામ ઢોરને છોડી દેવા સુચના આપી હતી.