ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણદેવ સત્સંત ભંડારમાંથી પણ પાર્થ બ્રાન્ડ રાજગરા ફરાળી લોટનો નમુનો લેવાયો
પવિત્ર શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે ત્યારે ઉપવાસ કરતા ભાવિકોના ઉપવાસ વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં અભડાવતા હોવાની ઘટના છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી છે ત્યારે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફરાળી લોટ દરતા, વેચતા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને માયાણીનગરમાં પ્રોમ્ટ સેલ્સ કોર્પોરેશનમાંથી ગાય છાપ રાજગરા લોટ અને શીંગોડાનો લોટ જયારે ભુપેન્દ્રરોડ સ્વામીનારાયણ મંદિરમાં આવેલા લક્ષ્મીનારાયણદેવ સત્સંગ ભંડારમાંથી પાર્થ બ્રાન્ડ રાજગરા ફરાળી લોટનો નમુનો લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યો હતો.
આ અંગે વધુ માહિતી આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે આરોગ્ય શાખા દ્વારા શહેરના ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, દાણાપીઠ, મોરબી રોડ, ભુપેન્દ્ર રોડ, ઢેબર રોડ, ભાવનગર રોડ અને કોઠારીયા રોડ પર ફરાળી લોટ વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ ૧૨ સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેરના માયાણીનગર મેઈન રોડ પર ટોમ્સ સેલ્સ કોર્પોરેશનમાંથી અમદાવાદની શ્રીભગવતી ફલોર એન્ડ ફુડ પ્રાઈવેટ લીમીટેડની ગાય છાપ રાજગરાના લોટ અને ગાય છાપ શીંગોડાના લોટનો નમુનો લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભુપેન્દ્ર રોડ પર શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં ભાડુઆત તરીકે આવેલી મગનભાઈ બચુભાઈ ઠુંમર નામના આસામીના લક્ષ્મીનારાયણદેવ સત્સંગ સાહિત્ય ભંડાર નામની દુકાનમાંથી વિનાયક સેલ્સ એજન્સીના પાર્થ બ્રાન્ડ સ્પેશયલ રાજગરા ફરાળી લોટનો નમુનો લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કામગીરી હાથ ધરાઈ હતી.