નવી ટેકસટાઈલ નીતિ અંતર્ગત રાજયભરમાં ટેકસટાઈલ પાર્ક બનશે
પાંચ વર્ષમાં ૧૦ લાખ નવી રોજગારીનું સર્જન
એક સમયે ગુજરાતમાં કાપડ મિલોનો દબદબો હતો પરંતુ સમય જતા રાજયમાંથી ટેકસટાઈલ ઉધોગ નામશેષ થયો છે. કયારે સરકાર દ્વારા ટેકસટાઈલ ઉધોગને પુન: બેઠો કરવા ખાસ યોજના ઘડી કાઢવામાં આવી છે અને ઓગસ્ટ માસના અંત સુધીમાં નવી ટેકસટાઈલ નીતિ અમલી બનાવી સરકાર દ્વારા રૂ.૧ લાખ કરોડથી વધુના રોકાણો ગુજરાતમાં ખેંચી લાવી આગામી પાંચ વર્ષમાં ૧૦ લાખ નવી રોજગારીનું સર્જન કરવા માસ્ટર પ્લાન બનાવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજય સરકાર દ્વારા નવી ટેકસટાઈલ નીતિને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. હાલમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા સહિતના રાજયો સાથે સીધી જ સ્પર્ધામાં ગુજરાતને નંબર વન બનાવવા સરકાર દ્વારા ટેકસટાઈલ નીતિ બનાવવામાં આવી છે. આ નીતિ અમલી બન્યા બાદ ટેકસટાઈલ ક્ષેત્રે મોટા રોકાણ ધરાવતી કંપનીઓ ગુજરાતમાં આવશે અને અંદાજે એક લાખ કરોડથી વધુના રોકાણો આવવાની શકયતા જોવાઈ રહી છે.
વધુમાં સરકાર દ્વારા ટેકસટાઈલ ઉધોગને વેગવંતો બનાવવા માટે કપાસ ખેડુતો અને ઉધોગો વચ્ચે સીધો જ સંબંધ સ્થપાય તે માટે પણ પ્રોત્સાહક યોજનાઓ બનાવવામાં આવશે. આ ઉપરાંત સરકાર દ્વારા મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા, તામિલનાડુ, ઉતરપ્રદેશ વગેરે રાજયોમાં ટેકસટાઈલ નીતિ અંતર્ગત સર્વે પણ કરાવ્યો છે અને નવી ટેકસટાઈલ નીતિનો ડ્રાફટ માસના અંતે સબમીટ કરવામાં આવે તેવી શકયતાઓ પણ જોવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજય સરકાર દ્વારા ટેકસટાઈલ ઉધોગને પુસઅપ કરવા માટે જીઆઈડીસીની જેમ જ સમગ્ર રાજયમાં અલગ ટેકસટાઈલ પાર્ક બનાવવા પણ રણનીતિ બનાવાઈ છે અને ટેકસટાઈલ નીતિ અમલમાં આવ્યા બાદ આગામી પાંચ વર્ષમાં રાજયમાં નવી ૧૦ લાખ રોજગારીનું નિર્માણ થશે. પરીણામે રોજગારીનો પ્રશ્ર્ન પણ હલ થશે.
દરમિયાન ટેકસટાઈલ ઉધોગને અન્ય રાજયમાં પડી રહેલી મુશ્કેલી ગુજરાતમાં અસરકર્તા ન બને તે માટે અલગ ટેકસટાઈલ પાર્ક નિર્માણ કરવાની સાથે પાવર સપ્લાય અને અન્ય આંતરીક સુવિધાઓ પણ સરકાર દ્વારા અગ્રતાના ધોરણે પુરી પાડવામાં આવશે.
જોકે ગુજરાતના કાપડ ઉધોગમાં વર્ષો જુના પટોડા ઉધોગ અને હાથસાળ તેમજ ખાદી ઉધોગને પણ આ નીતિથી પ્રોત્સાહન મળી શકે તેમ હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે અને આ ગુજરાતની ઓળખ સમાન ઉધોગોને બેઠા કરવા સરકાર અલગથી નીતિ અમલમાં લાવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.