નંબર સેવ કરવા માટે અમે કોઈ ઓપરેટર કે કંપનીની સેવા લીધી નથી: UIDAI
શુક્રવારે ભારતભરના સ્માર્ટફોનમાં યુઆઈડીએઆઈના ટોલ ફ્રી નંબર આપોઆપ સેવ થઈ જતા સૌકોઈ ચિંતામાં મુકાયા હતા. આખરે યુઆઈડીએઆઈના ટોલ ફ્રી નંબરો કોણ નાખી શકે ? ટેકનીકલી વાત આવે ત્યારે આ કામ ટેલિકોમ સર્વિસ, મોબાઈલ મેન્યુફેકચરો અને ગુગલ અને એપલ જેવી ઓપરેટીંગ સિસ્ટમો જ ડિફોલ્ટ નંબર ઈનસ્ટોલ કરાવી શકે છે. આવુ ગુગલે પહેલા કર્યું હતું પણ આ વખતે કોણે કર્યું છે ? કારણ આ પ્રકારની મેટરોમાં યુરોપિયન યુનિયન જનરલ ડેટા પ્રોટેકશનની અમલવારી બાદ ગુગલ ખુબ જ સાવચેતી રાખી રહ્યું છે. ઈન્ફોસેકમાં નેટવર્ક સેકયોરીટી ઓડિટના સીઈઓ વિનોદ સેન્થીલ જણાવે છે કે આ કામ ભારતીય ટેલીકોમ કંપનીઓ જ કરી શકે છે.
તેઓ યુએસએસડીના માધ્યમથી આવુ કરી શકે છે. ગઈકાલે લોકોના ફોનમાં આપોઆપ યુઆઈડીએઆઈના ટોલ ફ્રી નંબર સેવ થઈ જતા લોકો ગભરાયા હતા. એક મહિલા જણાવે છે કે ટોલ ફ્રી નંબર સેવ થઈ જતા મને થયું કે સિમકાર્ડની પ્રોબ્લેમ છે માટે મેં સીમ કાઢી ફરી ચડાવ્યું અને ફોન રિસ્ટાર્ટ કર્યો આમ છતાં તે સેવ થયેલા નંબર એમને એમજ હતા. ટવીટર પર એક વ્યકિતએ જણાવ્યું હતું કે, તેણે એકદમ નવા ૩ મોબાઈલ ફોન અનબોકસ કર્યા પરંતુ તેમાં પણ પહેલાથી જ યુઆઈડીએઆઈ નંબર પહેલાથી જ હાજર હતા. જો આ નંબરો કોઈએ નાખ્યા નથી તો ભારતના સ્માર્ટફોનોને કોણ હેક કરી રહ્યું છે ?
જયારે એક વ્યકિતએ મોબાઈલ મેન્યુફેકચરનો સંપર્ક કર્યો ત્યારે તેણે કહ્યું કે, તેમને સરકારી ઓર્ડર મુજબ આમ કર્યું છે, જોકે આ અંગે યુઆઈડીએઆઈએ સ્પષ્ટતા કરીને કહ્યું કે, અમારા હાલના ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૩૦૦૧-૯૪૭ નથી, આ જુના નંબરો છે, છેલ્લા ૨ વર્ષથી આ નંબર બદલી દેવામાં આવ્યા છે તો આ નંબરો સેવ ન કર્યા છતાં બધાના ફોનમાં શા માટે દર્શાઈ રહ્યા છે તે હજુ પણ એક ભેદ છે.