પુરવઠા વિભાગની બારીમાં ફસાયેલા કબુતરને ચારેક કલાકની મહેનતના અંતે કાચ તોડી ફાયર બ્રિગેડે બચાવ્યું

જિલ્લા કલેકટર કચેરીમાં પુરવઠા વિભાગની બારીમાં ફસાયેલા શાંતિદૂતને બચાવવા માટે આજે સવારથી ખાસ્સી જહેમત ઉઠાવવા જતા કબુતર બહાર ન નિકળતા અંતે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવતા ચારેક કલાકની જહેમત બાદ કબુતરનું રેસ્કયુ ઓપરેશન કરી નવજીવન બક્ષવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે જિલ્લા કલેકટર કચેરીમાં પુરવઠા વિભાગની કાચની બારીમાં કબુતર ફસાઈ જતા પુરવઠા વિભાગના કર્મચારીઓ દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવી કબુતરને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા ન મળતા એનીમલ હેલ્પલાઈનની મદદ લેવામાં આવી હતી પરંતુ એનીમલ હેલ્પલાઈન પણ કબુતરને બહાર કાઢી શકી ન હતી. દરમિયાન પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા મહાપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરી કબુતર બચાવવા જણાવવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો કલેકટર કચેરીએ આવી પહોંચ્યા હતા પરંતુ કચેરીના બીજા માળે બહારની તરફ પહોંચવું મુશ્કેલ હોય ફાયર બ્રિગેડના ખાસ વાહનને બોલાવવામાં આવ્યું હતું અને બહારની તરફથી કાચ તોડી કબુતરને સહિ સલામત બહાર કાઢી નવજીવન બક્ષવામાં આવ્યું હતું. જોકે શાંતિદૂતને નવજીવન આપવામાં કલેકટર તંત્ર દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવી કચેરીનો મોંઘોદાટ કાચ તોડી નાખવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.