સુચારૂ ટ્રાફિક વ્યવસ્થાપન માટે મહાપાલિકા અને શહેર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાશે રોડ પર વાહન પાર્ક થવા બદલ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ અને સ્કૂલોને નોટિસ અપાશે: વધુ ટ્રાફિક વહન થાય છે તેવા તમામ ચોકમાં અનાધિકૃત દબાણો દુર કરાશે
“સ્માર્ટ સિટી રાજકોટ” ખુબ જ ઝડપથી એક પછી એક વિકાસલક્ષી પ્રોજેક્ટ આગળ ધપાવવા લાગ્યું છે ત્યારે રાજકોટ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાપન પણ સુચારૂ બની રહે તેવા આશયથી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા એક સંયુક્ત ઝુંબેશ હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટ શહેરના માર્ગો પર વાહન પાર્કિંગ વ્યવસ્થિતરીતે થાય, લોકો નિયમબદ્ધરીતે વાહન ડ્રાઈવ કરે, ઉપરાંત શહેરમાં વિવિધ સ્થળે બનેલા શોપિંગ મોલ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ખાતે પણ વાહન પાર્ક વ્યવસ્થિત થાય અને ત્યાં વાહન પાર્કિંગનો ચાર્જ વસૂલ ના થાય તે પણ સુનિશ્ચિત કરવાનું આયોજન ઘડાયું છે. તો વળી ટ્રાફિક બાબતે લોકો વધુ સમજદારીથી વર્તે તે રીતે તેઓને પ્રેરિત કરવા મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા સંયુક્તરીતે પ્રયાસો કરવામાં આવનાર છે.
શહેરમાં આવેલ મોલમાં ગ્રાઉન્ડમાં પાર્કિંગ વ્યવસ્થા આપવામાં આવે છે, અને મોલમાં આવતા ગ્રાહકોને પોતાના વાહનો પાર્કિંગમાં પાર્ક કરવાના હોય છે. પરંતુ અમુક મોલ ધારકો ગ્રાહકો પાસેથી પાર્કિંગ ચાર્જ વસુલ કરવામાં આવતા હોય છે, જયારે ગ્રાહકો માટે ફ્રિ પાર્કિંગ આપવાનું હોય છે. પાર્કિંગ ચાર્જ વસુલતા આવા મોલ ધારકોને નોટીસ આપવામાં આવેલ છે. મોલ ધારકો પાર્કિંગ ચાર્જ વસુલી શકશે નહિ, તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવેલ છે.
કમિશનરશ્રીએ વધુમાં જણાવેલ કે, રોડ પર વાહનો પાર્ક કરવાથી રસ્તા પર અવરજવર કરવા માટે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે, તે બદલ કોમર્શીયલ કોમ્પ્લેક્સ અને સ્કુલોને નોટીસ આપવામાં આવશે.
શહેરમાં ખુબ જ વધુ પડતા વાહનવ્યવહાર ધરાવતા વિવિધ ચોક જેવા કે, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી, માધાપર ચોકડી, ત્રિકોણ બાગ વગેરે જેવા ચોકમાં ટ્રાફિક ક્ધટ્રોલ માટે તેમજ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે આવા ચોક પરથી અનઅધિકૃત દબાણો દુર કરવામાં આવશે.
રાજકોટ શહેર પોલીસ ટ્રાફિક સમસ્યા માટે હમેશા તત્પર રહેલી જ છે, આ કામને વધુ ઉપયોગી એવા ૨ (બે) ટોઈંગ વાહનો આપવામાં આવશે, જેનાથી નો પાર્કિંગ એરિયામાં પાર્કિંગ કરેલા વાહનોને દુર કરી શકશે. શહેરમાં થતા ટ્રાફિકને ક્લીયરન્સ માટે રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન કરવામાં આવશે, જેનાથી શહેરમાં ટ્રાફિક ક્ધટ્રોલ થઇ શકશે.
ઉપરોક્ત તમામ બાબતોએ નોટીસ અને દબાણ હટાવ દુર કરાવા માટે જાહેર ચેતવણી અને ૨ (બે) દિવસની મુદ્દત આપવામાં આવી છે, જો બે દિવસની મુદ્દત દરમ્યાન કોઈ ફેરફાર નહિ જણાય તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવેલ હતું.
રાજકોટ શહેરને ટ્રાફિકની સમસ્યાથી મુક્ત કરવા માટે રાજકોટ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની અને રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રાવત દ્વારા ટ્રાફિક સમસ્યાને લઈને ગંભીર ચર્ચા કરવામાં આવેલ હતી, અને ઉપરોક્ત તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. કેવા-કેવા પગલા ભરવાથી શહેરમાં થતી ટ્રાફિક સમસ્યાને નિવારી શકશે, વિગેરે બાબતો પર ચર્ચા કરેલ હતી.