ધોરાજી પ્લાસ્ટીકના ૩૦૦ એકમોમાં દૈનિક ૧૫૦ ટન પ્લાસ્ટીક વેસ્ટનું રીસાયકલીંગ થાય છે
ધોરાજી શહેરના વ્હોરા સમાજનાં કબ્રસ્તાન તેમજ બાળકોનાં સ્મશાન નજીક પ્લાસ્ટીકના કારખાનામાંથી નિકળતો કચરો અને પ્લાસ્ટીક વેસ્ટ બાળવામાં આવતો હોવાની ફરિયાદોને ધ્યાને લઈ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી જે.ડી.ગૌસ્વામી દ્વારા ધોરાજી પ્લાસ્ટીક એસોસીએશન દ્વારા પ્રદુષણ અટકાવવા લેખિતપત્ર પાઠવાયો હતો. જેમાં જણાવેલ કે પ્લાસ્ટીક વેસ્ટ જાહેરમાં બાળવામાં તેમજ અનધીકૃત જગ્યાએ નિકાલ કરવાથી પ્રદુષણ ફેલાતું હોય આથી પ્લાસ્ટીક ઉધોગ-ઉત્પાદનમાં સંકળાયેલા સભ્ય એકમોને જરૂરી માર્ગદર્શન સુચના આપવી તેમજ જો કોઈ આવું કૃત્ય કરતા હોય તો કસુરવાર સામે પર્યાવરણ કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી થવા જાણ કરાયેલ હતી.
ઉપરોકત પ્રશ્ર્ને ધોરાજી પ્લાસ્ટીક એસો.પ્રમુખ દલસુખભાઈ વાગડીયા, ગોપાલભાઈ સહિત પ્લાસ્ટીક એકમ ધારકો ધોરાજી નગરપાલિકા ચીફ ઓફિસરને રજુઆત કરતા જણાવેલ કે ધોરાજીમાં જી.આઈ.ડી.સી. આવેલ નથી. કારખાના છુટા-છવાયા છે. નાના-મોટા ઉધોગોને મળતી સુવિધા અમોને પ્રાપ્ત નથી. તેમજ ધોરાજી પ્લાસ્ટીક એકમોમાં રીસાયકલ પ્રોસેસ થાય છે. સમગ્ર દેશમાંથી એકત્રીત થતો કચરો ધોરાજી રીપ્રોસેસ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કાર્ય કરે છે.
પરોક્ષ રીતે સ્વચ્છતા અભિયાનનું કાર્ય જ થઈ રહ્યું છે. આથી ધોરાજી નગરપાલિકા દ્વારા નકામી-ફાજલ જમીન ફાળવવામાં આવે તો પ્લાસ્ટીક વેસ્ટનો નિકાલ કરવો સરળ રહે.