તાત્કાલીક પાણી છોડવામાં નહી આવે તો શનિવારે કલેકટર કચેરી સામે ઉગ્ર ધરણાની ચીમકી
હાલ ચોમાસા ઋતુમાં સુરેન્દ્રનગર જીલ્લામાં બિલકુલ નહીવત વરસાદ થયેલ છે. મોટાભાગના ખેડૂતોએ વાવેતર કરેલ છે. વરસાદ ખેંચતા ખેડૂતોની હાલત કફોડી બની રહેલ છે. ગત ચોમાસામાં અતિવૃષ્ટિથી પાયમાલ થયેલ ખેડૂતોને પાક વીમાની રકમ પણ મળેલ નથી. ત્યારે આ ઋતુમાં વરસાદની અછતની સ્થિતિ પ્રવર્તે છે.
જો તાત્કાલિક નર્મદાની શાખા નહેરોમાં પાણી નહિ છોડવામાં આવે તો ખેડૂતોમાં હાહાકાર મચી જશે. આથી જગતના તાત એવા આપણા ખેડૂત ભાઈઓને તાત્કાલિક રાહત આપવા વલભીપુર શાખા નહેર, ખારાઘોડા શાખા નહેર, ધ્રાંગધ્રા શાખા નહેર, ઝીન્ઝુવાડા શાખા નહેરમાં પૂરતા પ્રમાણમાં પાણી છોડવા દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આજે નર્મદાના ચેરમેનને પત્ર લખી રજૂઆત કરી. અને જો તાત્કાલિક પાણી નહિ છોડવામાં આવે તો નૌશાદ સોલંકીએ આગામી શનિવારે કલેકટર કચેરી સામે ઉગ્ર ધારણા પ્રદર્શન કરવામાં આવશે તે મુજબની ચીમકી આપેલ છે. આથી નર્મદાના કર્મચારીઓમાં હાલ પાણી ચાલુ કરવવા દોડધામ મચી છે. નૌશાદ સોલંકી જણાવેલ કે સરકારની અણઆવડત અને આડેધડ કાર્ય પદ્ધતિથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. ઉત્સવોમાં વ્યસ્ત સરકારને ખેડૂતોની બિલકુલ પરવાહ નથી.