વરસાદ ખેંચાવા ઉપરાંત નર્મદા કેનાલ બંધ થતાં ૪૦૦ રૂપિયા મણનો ભાવ ચૂકવવા છતાં ઘાસચારો નથી
હળવદ ચાલુ વર્ષે અપૂરતા વરસાદ અને નર્મદા કેનાલમાં પાણી ન છોડવામાં આવતા હળવદ પંથકના માલધારીઓને પ્રતિમણના રૂપિયા ૪૦૦ ચૂકવવા છતાં ઘાસચારો ન મળતા અનેક રજૂઆતો બાદ રોષે ભરાયેલા માલધારી સમાજે આજે સવારથી હળવદ મામલતદાર કચેરીમાં સેંકડો ગાયો સાથે અડીંગો જમાવી ઉપવાસ શરૂ કરતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઉનાળાના પ્રારંભથી જ સરકાર દ્વારા નર્મદા કેનાલ બંધ કરી દેવતા મોરબી જિલ્લામાં હળવદ પંથકમાં ખેડુતો અને માલધારીઓની હાલત દયનિય બની છે તેમા પણ ઓણ ચોમાસુ નબળું રહેતા હાલમાં હળવદ પંથકના હજારો માલધારીઓને પોતાના માલઢોરનો નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે.
આ સંજોગોમાં છેલ્લા ઘણા સમયથી માલધારીઓ દ્વારા રાહતભાવે ઘાસ આપવા સરકાર સમક્ષ માંગણી ઉઠાવવામાં આવી હતી પરંતુ કોઈ જ પ્રત્યુતર ન મળતા આજે સવારથી માલધારીઓ સેંકડો ગાયો સાથે મામલતદાર કચેરીમાં ડેરા તંબું તાણ્યા છે. માલધારીઓ દ્વારા અચાનક જ ઉપવાસ આંદોલન છેડી માલઢોરને કચેરીમાં લાવવામાં આવતા તંત્ર હાંફળુ ફાફળુ થયું છે.
બીજી તરફ માલધારી આગેવાનોએ જણાવ્યું હતું કે ઘાસચારા વગર ગૌવંશ ભૂખે ટળવળે છે જે અમે જોઈ શકતા નથી જેથી જ્યાં સુધી સરકાર ઘાસચારો ન આપે ત્યાં સુધી અમે અને અમારા અબોલ પશુઓ કશું ખાધા પીધા વગર મામલતદાર કચેરીમાં જ રહેશું. આમ, માલધારી સમાજના કડક વલણને કારણે હાલ ગાંધીનગર સુધી દોરડા ધણધણી ઉઠ્યા હતા જયારે માલધારીઓ ની ઉગ્રતા જોતા મામલતદાર એ તાત્કાલિક માલધારીઓ સાથે બેઠક કરી રાજ્ય સરકાર ને ઘાસચારાની દરખાસ્ત મોકલી આપી ટુકજ સમય માં રાહત દરે ઘાસચારાનુ વીતરણ કરવામાં આવશેતેવી હૈયા ધારણા આપતાં માલધારીઓ એ પોતાનું આંદોલન સમેટી માલ ઢોર સાથે ઘરે પરત ફર્યા હતા