આરોગ્ય શાખા દ્વારા સઘન કામગીરી: ચેતના ડાઈનીંગ હોલના સેલરમાંથી મચ્છરોની ઉત્પતિ મળી આવતા રૂ.૫ હજારનો દંડ: નવા બસ સ્ટેન્ડની બાંધકામ સાઈટના કોન્ટ્રાકટરને નોટિસ
ચોમાસાની સીઝનમાં સતત વાદળછાયા વાતાવરણના કારણે શહેરમાં રોગચાળાએ માથુ ઉંચકયું છે. ડેન્ગ્યુ અને મેલેરિયા તાવના અજગરી ભરડાને રોકવા માટે મહાપાલિકા દ્વારા આરોગ્યલક્ષી ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન રજપુતપરા શેરી નં.૬માંથી શંકાસ્પદ ડેન્ગ્યુ તાવનો કેસ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આજે આરોગ્ય શાખાની ટીમ દ્વારા રજપુતપરામાં બ્રાહ્મણ હોસ્ટેલના ૫૬ રૂમમાં ફોગીંગની કામગીરી હાથધરવામાં આવી હતી. ચેતના ડાઈનીંગ હોલના સેલરમાંથી બેફામ મચ્છરોની ઉત્પતિ મળી આવતા રૂ.૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, શહેરના રજપુતપરા-૬માં આવેલી બ્રાહ્મણ બોર્ડીંગમાં રહેતા ૧૫ વર્ષના વિદ્યાર્થીને શંકાસ્પદ ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાતા હાલ વિદ્યાર્થી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આજે આરોગ્ય શાખાની ટીમ દ્વારા રજપુતપરા તથા આજુબાજુના વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી હતી. બ્રાહ્મણ બોર્ડીંગના ૫૬ રૂમમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું તથા આસપાસની દુકાનોમાં પોરાભક્ષક કામગીરી અને બંધીયાત પાનીમાં ઓઈલનો છંટકાવ કરવામાં આવ્યો હતો. રજપુતપરા-૬માં આવેલા ચેતના ડાઈનીંગ હોલના સેલરમાં પુષ્કર પાણી ભરેલું જોવા મળ્યું હતું જેમાં મચ્છરની ઉત્પતિ પણ જોવા મળી હતી. અગાસી પર ત્રણ સિન્ટેક્ષ ખુલ્લી હતી જેમાં પણ મચ્છરની ઉત્પતિ દેખાઈ હતી. આ ઉપરાંત કાચની ખાલી બોટલોમાં મચ્છરો જોવા મળ્યા હતા. મચ્છરની ઉત્પતિ સબબ ચેતના ડાઈનીંગ હોલ પાસેથી રૂ.૫ હજારનો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનની ઓફિસની બાજુમાં બનતા નવા બસ સ્ટેન્ડની બાંધકામ સાઈટ પર પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાતા મચ્છરની ઉત્પતિ ન થાય તે માટે કોન્ટ્રાકટરને નોટિસ ફટકારવામાં આવી છે અને નિયમિત રીતે ઓઈલનો છંટકાવ કરવા પણ તાકીદ કરાઈ હતી. આ ઉપરાંત ગોપાલનગરમાં એક બાંધકામ સાઈટ પર પાણી ભરાયેલુ જોવા મળતા રૂ.૧૫૦૦નો દંડ વસુલવામાં આવ્યો છે