મિત્રની જન્મ દિવસની પાર્ટીમાંથી પરત આવતા સર્જાયો જીવલેણ અકસ્માત: ટ્રકની ઓવરટેક કરવા જતા વળાંકમાં ચાલકને સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
શહેરના સામાકાઠાં વિસ્તારના ભરવાડ યુવાનનો જન્મ દિવસ હોવાથી આઠ જેટલા મિત્રો તરઘડીયા ખાતે વાડીએ પાર્ટી પુરી કરી સ્કોર્પીયોમાં પરત આવી રહ્યા હતા ત્યારે માલીયાસણ અને કુચીયાદળ વચ્ચે આગળ જતા ટ્રકની ઓવરટેક કરવા જતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સ્કોર્પીયો પલ્ટી ખાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બે યુવાનના મોત નીપજ્યા હતા અને ચાર ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માલીયાણ અને કુચીયાદળ વચ્ચે જી.જે.૩૬એફ. ૫ નંબરની સ્કોર્પીયો પલ્ટી ખાતા સર્જાયેલા અકસ્માતમાં બેડીપરાના વિરમ રમેશ બાબુતર (ઉ.વ.૧૯) અને માલધારી સોસાયટીમાં રહેતા તેના પિતરાઇ કિશન નારણ વકાતર (ઉ.વ.૧૭) ગંભીર રીતે ઘવાતા બંનેના મોત નીપજ્યા હતા. જયારે સંત કબીર રોડના રસીક રમેશ પરમાર, આર્યનગરના જીજ્ઞેશ લક્ષ્મણ મૈયડ, દિશાંત ચંદ્રેશ જોગી અને દિક્ષિત લીંબાલીયા ઘવાતા ચારેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
સામાકાઠાં વિસ્તારના ચિરાગ બાબુતરનો ગઇકાલે જન્મ દિવસ હોવાથી પોતાના મિત્રો સાથે જી.જે.૩૬એફ.૫ નંબરના સ્કોર્પીયોમાં પોતાની વાડીએ જન્મ દિવસની પાર્ટી રાખી હોવાથી ગયા હતા.
મોડીરાતે આઠેય મિત્રો સ્કોર્પીયોમાં પરત આવી રહ્યા હતા ત્યારે માલીયાસણ અને કુચીયાદળ વચ્ચે પહોચ્યા ત્યારે આગળ જતા ટ્રકની ઓવરટેક કરી રહ્યા હતા ત્યારે વળાંકમાં સ્કોર્પીયો રોડ નીચે ઉતરી જતા પલ્ટી ખાતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
ગમખ્વાર અકસ્માતમાં એક સાથે બે યુવાનના મોત નીપજતા ભરવાડ પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. જન્મ દિવસની ઉજવણી મરણ દિવસ બનતા પરિવારમાં કરૂણાંતિકા સર્જાઇ છે.
મૃતક વિરમ બે ભાઇમાં નાનો જ્યારે ધોરણ બારમાં અભ્યાસ કરતા કિશન પોતાના પરિવારમાં એકનો એક પુત્ર હોવાનું જાણવા મળે છે. કુવાડવા પોલીસ મથકના પીએસઆઇ આર.વી.ખટાણા અને રાઇટર નિલેશભાઇએ દિક્ષિત દિનેશ લીંબાસીયાની ફરિયાદ પરથી સ્કોર્પીયોના ચાલક વિરમ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.