ફોન કરી પરિવાર અને પુત્ર પર ફાયરિંગ કરવાની ધમકી દઇ ખંડણી માગી: પોલીસે ટ્રેપ ગોઠવી બંને શખ્સોને ઝડપી લીધા
શહેરના વર્ધમાનનગરમાં રહેતા અને ઘર પાસે જ સોના-ચાંદીના ઘરેણાનો શોરૂમ ધરાવતા સોની વેપારીને ફોન કરી ‘તારી પાછળ ૨૦ ગુંડા લગાવ્યા છે, રૂ.૬૦ ખંડણી નહી આપે તો તારા પરિવાર અને પુત્ર પર ફાયરિંગ કરવાની’ ધમકી દઇ ખંડણી પડાવવાનો પ્રયાસ કરતા બંને શખ્સોને પોલીસે ટ્રેપ ગોઠવી ઝડપી લીધા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પેલેસ રોડ પર આવેલા વર્ધમાનનગરમાં રહેતા ચિતરંજભાઇ શશીકાંતભાઇ ગગલાણી નામના ૬૧ વર્ષના સોની વૃધ્ધે ખંડણી પડાવવા અંગે આવેલા ફોન અને પોતાના મકાન પર થયેલા પથ્થરમારા અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ચિતરંનભાઇ ગગલાણીને ગત તા.૨૮મીએ મોબાઇલમાં રીંગ વાગતા તેઓએ ઉપાડયો ત્યારે સામેથી ‘તારી પાછળ ૨૦ ગુંડા લગાવ્યા છે. તારે સુરક્ષિત રહેવું હોય તો રૂ.૬૦ લાખની ખંડણી આપવી પડશે નહીતર તારા પરિવાર અને તારા પુત્ર પર ફાયરિંગ થશે તેવી ધમકી દેવામાં આવી હતી.
આથી ચંદ્રકાંતભાઇ ગગલાણીએ એ ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી તે દરમિયાન પોતાના મકાન પર પથ્થર મારી બારીનો કાચ ફોડી ભય બતાવવાનો પ્રયાસ થતા એ ડિવિઝન પી.એસ.આઇ. એસ.વી.સાખરા અને ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. આર.સી.કાનમિયા સહિતના સ્ટાફે ચિતરંનભાઇ ગગલાણીને ખંડણીખોરને ફોન કરી રૂ.૬૦ લાખ વર્ધમાનનગરમાં આવી લઇ જવા જણાવ્યા બાદ એક થેલામાં પસ્તી ભરી ચિતરંજનભાઇ ગગલાણીને વર્ધમાનનરમાં મોકલ્યા હતા ત્યારે પોલીસ સ્ટાફ તેઓની આજુ બાજુમાં ખાનગી ડ્રેસમાં ગોઠવાયા હતા.
ચિતરંજનભાઇ ગગલાણી પાસેથી ખંડણી લેવા આવેલા પંચનાથ પ્લોટના અજય લીમુટ કડવા નામના મદ્રાસી અને ગુંદાવાડીના રાહુલ કનુ ડાભી નામના શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
રાહુલ કનુ ડાભીની પૂછપરછ દરમિયાન તે ચિતરંજનભાઇ ગગલાણીની દુકાન પાસે ઘુઘરાની દુકાનમાં કામ કરતો હોવાથી તેની પાસેથી મોટી રકમની ખંડણી પડાવી રાતોરાત લખપતિ બનાવાનો પ્લાન બનાવી પંચનાથ પ્લોટમાં રહેતા પોતાના મિત્ર અજય મદ્રાસીની મદદથી ખંડણી માટે ફોન કર્યો હોવાની કબુલાત આપી છે.