દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે આરટીઓ કેમ્પ યોજાશે : શહેરમાં વિકાસને વેગવંતો બનાવવા હળવદ શહેર ભાજપ પ્રમુખના અનેક લોકપયોગી કાર્યો
હળવદમાંથી નવા વાહન ખરીદેલા વાહન ધારકોને પાર્સીંગ માટે તેમજ ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવવા મોરબીનો ધરમનો ધક્કો ખાવો પડતો હતો જેની રજુઆત કેબિનેટ મંત્રી અને જિલ્લા ભાજપ પ્રભારીને કરવામાં આવતા હવેથી દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે હળવદ વૈજનાથ મંદિર સામે જુના સર્કિટ હાઉસ ખાતે આરટીઓનો કેમ્પ યોજાશે.
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ ખરીદેલા વાહનો તેમજ ડ્રાઈવીંગ લાયસન્સ માટે છેક જિલ્લા મથકે પાર્સીંગ તેમજ લાયસન્સ મેળવવા પ૦ કિલોમીટરના ધક્કાઓ ખાવા પડતો હતો જે બાબતની શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલએ મોરબી જિલ્લા ભાજપ પ્રભારી અને કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલને રજુઆત કરતા હવેથી હળવદમાં દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે આરટીઓનો કેમ્પ યોજાશે.
જેમાં હળવદના વાહન ચાલકોને હળવદ બેઠા જ વાહનો પાર્સીંગ તેમજ ડ્રાઈવીંગ લાયસન્સની કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને આમ વાહન ચાલકોને લાયસન્સ ધારકોને પાર્સીંગ તેમજ લાયસન્સ મેળવવા પ૦ કિ.મી.ના ધરમના ધક્કામાંથી છુટકારો મળતા હર્ષની લાગણી છવાઈ છે.
હળવદમાં વિકાસને વેગવંતો બનાવવા શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ શહેરના નાના- મોટા પ્રશ્નોની રજૂઆતને ધ્યાને લઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી સુખદ અંત લાવવામાં આવતો હોય છે.