ગૌસંવર્ધન અને ગીર ગાયના ઉછેર અંગે વિસ્તૃત જાણકારી મેળવી: રાજર્ષિ સેવાશ્રમની કામગીરીને બિરદાવી
મોટાવડા ખાતે મિશન વિદ્યાનો પ્રારંભ કર્યા બાદ રાજકોટ પરત ફરતી વેળાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજર્ષિ સેવાશ્રમની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખીરસરા નજીક આવેલા સાત હનુમાન મંદિરની મુલાકાત લઈ હનુમાનજીના આશીર્વાદ મેળવ્યા હતા બાદમાં તેઓએ રાજર્ષિ સેવાશ્રમ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાની મુલાકાત લીધી હતી જયાં મુખ્યમંત્રીએ ગીર ગાયના સંવર્ધન, ગાય આધારીત ખેતી વિશે જીણવટભરી વિગતો મેળવી હતી.
ખીરસરા મોટાવડા રોડ પર આવેલી રાજર્ષિ આશ્રમ સંચાલિત ગૌશાળાની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ મુલાકાત લીધી હતી. આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજુભાઈ ધ્રુવ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, ચેતન રામાણી, હરિશચંદ્રસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ પાંભર, બકુલસિંહ જાડેજા, મુકેશ તોગડીયા, જયુભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાત હનુમાન મંદિરે હનુમાનજીના દર્શન કર્યા બાદ તેઓએ ગૌશાળામાં જઈને વિવિધ માહિતી મેળવી હતી. રાજર્ષિ સેવાશ્રમ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી નરેન્દ્રસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, દર્શનસિંહ જાડેજા સાથે તેઓએ વિસ્તૃત ચર્ચા કરીને ગીર ગાયની ઓલાદ તથા ૧૦૦ ટકા ગીર ઓલાદના ખુંટ વિશે વિગત મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગૌશાળાના નંદી ઘરમાં અસલ ગીર ઓલાદના ખુંટો રાખવામાં આવ્યા છે. ઉપરાંત ૩૦૦થી વધારે ગીર ઓલાદની ગાયોની જે રીતે સંભાળ રાખવામાં આવી રહી છે તે નિહાળીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રભાવિત થયા હતા.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગાય આધારીત ખેતી આજના સમયની માંગ છે. રાસાયણિક ખાતર અને અન્ય જે કોઈપણ બાબત જમીનની ગુણવતા કે ખેતી વિકાસમાં બાધક બને છે તેની સામે ગાયનું છાણ અને ખાતર સૌથી વધુ ઉપયોગી છે. ઉપરાંત ગૌમુત્ર પણ અનેક રોગ માટે ઉપયોગમાં લેવાય છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આશ્રમ સંચાલિત ઔષધ વનની મુલાકાત લઈને ઔષધીઓ વિશે જીણવટભરી વિગતો મેળવી હતી.
લોધીકાના મોટાવડા ગામ ખાતે મિશન વિદ્યાનો પ્રારંભ કરવા આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ પરત ફરતી વેળાએ શનિવાર હોવાથી સાત હનુમાન મંદિરની મુલાકાત લઈને હનુમાનજીના દર્શન કર્યા હતા. તેઓએ સિઘ્ધેશ્ર્વર ગૌશાળા અને ગૌસેવાશ્રમની મુલાકાત પણ લીધી હતી. મુખ્યમંત્રીએ રાજર્ષિ સેવાશ્રમ ખાતેનો કોઈ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ ન હોવા છતાં ખાસ્સો સમય આપ્યો હતો. રાજર્ષિ સેવાશ્રમ ખાતે અસલ ઓલાદના ૫૦ જેટલા ગીર ખુંટનું મુખ્યમંત્રીએ નિદર્શન કર્યું હતું અને સેવાશ્રમની કામગીરીને બિરદાવી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રાજર્ષિ સેવાશ્રમ ખાતેની મુલાકાત વેળાએ જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તા, રેન્જ ડી.આઈ.જી. સંદિપસિંઘ, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.