જન્માષ્ટમી લોકમેળામાં આર્મી વેલ્ફેર ફંડ એકત્રીત કરવાની સાથે સિગ્નેચર વોલ પણ ઉભી કરાશે
શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર લોકમેળાને પ્લાસ્ટીક મુકત બનાવવાની જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જાહેરાત કરવાની સાથે જણાવ્યું હતું કે, લોકમેળામાં આવતા લાખો સહેલાણીઓ આર્મી વેલફેર ફંડમાં યોગદાન આપે તે હેતુથી લોકમેળામાં દાનપેટી રાખવાની સાથે સિગ્નેચર વોલ પણ ઉભી કરાશે.
આગામી તા.૧લી સપ્ટેમ્બરી યોજાનારા જન્માષ્ટમી લોકમેળા અંગે વિગતો આપતા જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, રાજકોટના લોકમેળામાં દર વર્ષે લાખોની જનમેદની એકત્રીત થાય છે ત્યારે લોકો આર્મી વેલફેર ફંડમાં યોગદાન આપે તેવા ઉમદા હેતુથી લોકમેળામાં નક્કી કરેલા સ્થળોએ ખાસ દાનપેટી રાખવામાં આવશે. જેમાં એકત્રીત થયેલા દાનને આર્મી હેડકવાર્ટર ખાતે મોકલવામાં આવશે.
વધુમાં તેઓએ પર્યાવરણ અંગે જાગૃતિ આવે અને પર્યાવરણને નુકશાન કરતા પ્લાસ્ટીકનો વપરાશ અટકે તે માટે લોકમેળાને પ્લાસ્ટીક મુકત બનાવવા અત્યારી જ આયોજન ઘડી કાઢી મ્યુનિ.કમિશનરને લોકમેળો પ્લાસ્ટીક ફ્રી બની રહે તે હેતુથી યોગ્ય આયોજન ઘડી કાઢવા જવાબદારી સુપ્રત કરી છે.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, રાજકોટનો ભાતીગળ લોકમેળો વિશ્વ વિખ્યાત છે ત્યારે આ વખતે પ્રથમ વખત જ લોકો માટે સિગ્નેચર વોલ ઉભી કરાશે અને લોકોના પ્રતિભાવ જાણવા તંત્ર દ્વારા આ નવતર પ્રયોગ કરવામાં આવશે. આ ઉપરાંત પણ લોકમેળામાં અનેકવિધ આકર્ષણો ઉભા કરવામાં આવનાર હોવાનું તેઓએ અંતમાં જણાવ્યું હતું.