જંગલેશ્ર્વરમાં લઇ જઇ પાઇપથી માર મારી રૂ.૨૬ હજારની ઉઘરાણીના રૂ.૧.૫૦ લાખ માગ્યા
શહેરના કોઠારિયા નજીક આવેલા સ્વાતી પાર્ક નજીક જે.કે.પાર્કના યુવાનનું ક્રિકેટના સટ્ટાની ઉઘરાણી વસુલ કરવા સોરઠીયાવાડી સર્કલ પાસેથી અપહરણ કરી જંગલેશ્ર્વર વિસ્તારમાં લઇ જઇ પાઇપથી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સ્વાતી પાર્ક પાસે જે.કે.પાર્કમાં રહેતા આકાશ પ્રદિપભાઇ કાનાણી નામના ૨૨ વર્ષના યુવાનનું સોરઠીયાવાડી સર્કલ પાસેથી બાબરીયા કોલોનીના સિકંદર ઠાસરીયા નામના શખ્સે સોરઠીયાવાડી સર્કલ પાસેથી અપહરણ કરી બાઇક પર જંગલેશ્ર્વર વિસ્તારમાં લઇ જઇ પાઇપથી માર માર્યાના આક્ષેપ સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
આકાશ કાનાણી અને સિકંદર ઠાસરીયા આઇપીએલનો ક્રિકેટનો સટ્ટો સાથે રમતા હતા અને રૂ.૭૫ હજાર હારી જતા સિકંદરને રૂ.૫૦ હજાર ચુકવી દીધા હતા અને રૂ.૨૬ હજાર બાકી રાખ્યા હતા. તેની ઉઘરાણી કરવા સિકંદર ઠાસરીયાએ સાગર નામના શખ્સ પાસે ફોન કરાવીને આકાશને સોરઠીયાવાડી સર્કલ પાસે ફૌજી હોટલે ચા પીવા બોલાવ્યા બાદ સિકંદર ઠાસરિયા પાઇપ સાથે ત્યાં આવી માર માર્યા બાદ બાઇક પર જંગલેશ્ર્વરના કાવેરી એપાર્ટમેન્ટ પાસે લઇ જઇ રૂ.૨૬ હજારના બદલામાં રૂ.૧.૫૦ લાખની ઉઘરાણી કરી ધમકાવ્યો હોવાનું આકાશ કાનાણીએ ફરિયાદમાં જણાવ્યું હતું.