ભાવનગર રોડ પર શકિત ટી સ્ટોલ (વડલાવાળા)ને પ્લાસ્ટીકના ચાના કપ રાખવા સબબ ૫ હજારનો દંડ
કોર્પોરેશન દ્વારા શહેરમાં તમામ પ્રકારના પ્લાસ્ટીકના ઉપયોગ, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. તાજેતરમાં પાણીના પાઉચ અને ચાના પ્લાસ્ટીકના કપ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજકોટને પ્લાસ્ટીક ફ્રિ સિટી બનાવવા માટે હવે મહાપાલિકા નામી નમકીન, બિસ્કીટ અને ગુટખા કંપનીઓને પણ નોટિસ ફટકારશે અને પર્યાવરણ માટે કંપની દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે ખુલાસો પુછવામાં આવશે.
રાજકોટને પ્લાસ્ટીક મુકત શહેર બનાવવા માટે મહાપાલિકા દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પ્લાસ્ટીકના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ક્રમશ: પ્લાસ્ટીકની અલગ-અલગ ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે ત્યારે હવે સ્થાનિક, નેશનલ અને ઈન્ટરનેશનલ નમકીન તથા બિસ્કીટ કંપનીઓને કોર્પોરેશન દ્વારા નોટિસો ફટકારવામાં આવશે.
જોકે કંપનીઓ જીપીસીબી અને સીપીસીબીમાં રજીસ્ટર થયેલી હોય તેને પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા માટે અગાઉથી જ મંજુરી મળી હોય છે ત્યારે તેને કોર્પોરેશન દ્વારા માત્ર જનજાગૃતિના ભાગપે નોટિસ ફટકારવામાં આવશે અને એવો ખુલાસો પુછાશે કે કંપની દ્વારા પર્યાવરણ બચાવવા માટે અત્યાર સુધીમાં શું કામગીરી કરવામાં આવી અને ભવિષ્યમાં શું કામગીરી કરશે.