સિવિલ જજે ચીફ ઓફીસરને બોલાવીને તાકિદે પ્રશ્નનું નિરાકરણ લાવવાની સુચના આપી
માંગરોળમાં રખડતા ઢોરના ત્રાસ બાદ સ્વચ્છતા, જાહેર આરોગ્યનો મુદ્દો પણ કોટઁ સમક્ષ પહોંચ્યો હતો. શહેરના રહેણાંક વિસ્તારમાં ખડકાયેલા કચરાના ગંજ અને દિવસો સુધી ગંદકી ભરેલા પડયા રહેતા વાહનો અન્યત્ર ખસેડવામાં બેદરકારી દાખવનાર પાલિકાતંત્રને કોટઁની ટકોર બાદ તાત્કાલિક કાયઁવાહી કરવાની ફરજ પડી હતી.
શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની અને જાહેર સુખાકારીની જવાબદારી જેના શીરે છે. તે નગરપાલિકા તંત્ર દ્રારા લોકોને પડી રહેલી અગવડો સામે આંખ આડા કાન કરતા હવે લોકો માટે કોટઁ એકમાત્ર વિકલ્પ રહી ગયો છે. શહેરમાં ચારેકોર રખડતા ઢોરના અસહ્ય ત્રાસ સામે લોકોમાં આક્રોશ છતાં પાલિકાએ કશી કાયઁવાહી હાથ ધરી ન હતી. આખરે કોટઁના મુખ્ય સિવિલ જજ એસ.આર.વકાલીયાએ ચીફ ઓફીસરને બોલાવી કામગીરી કરવાની સ્પષ્ટ સુચના આપતા લોકોને રંજાડતા ખુંટીયા, આખલાઓને પકડવા તાબડતોબ કાયઁવાહી શરૂ કરવામાં આવી હતી.તેમજ આગામી દિવસોમાં શહેરમાં ઢોરની રંજાડ દુર કરવા પાલિકાને આયોજન પણ હાથ ધરવાની ફરજ પડી છે.
આવી જ રીતે શહેરના સિરાજરોડ પર કચરાના ગંજ તેમજ ન.પા.ના સેનિટેશન વિભાગના કચરો, ગંદકી, ગટરના ગંદા પાણી ભરેલા વાહનો પાણીના ટાંકા પાસે બહાર રોડ પર ખડકી દેવામાં આવતા હતા. કયારેક તો દિવસો સુધી પડયા રહેતા આવા વાહનોમાંથી ફેલાતી અસહ્ય દુગઁધ અને માખી, મચ્છરોના ઉપદ્રવથી રહેવાસીઓ ત્રસ્ત થયા હતા. નજીકમાં જ બેથી ત્રણ શાળાઓ પણ આવેલી હોય, જાહેર સ્વાસ્થ્યને લઈ રહેવાસીઓ છેલ્લા છ માસથી ન.પા. થી લઈ આરોગ્ય તંત્રને અનેકવાર કરેલી લેખિત રજુઆતો તંત્રના બહેરા કાને જ અથડાઈ હતી. કોઈ કાયઁવાહી જ હાથ ધરાઈ ન હતી.
સ્વચ્છતા બાબતે સેવાઈ રહેલી ગંભીર બેદરકારી બાબતે સંજીવની નેચર ફાઉન્ડેશન નામની સંસ્થાએ રહેવાસીઓએ કરેલી ફરીયાદો અને હાલમાં વિસ્તારની સ્થિતિ વિશે કોટઁને પત્ર લખી માહિતગાર કરતા સિવિલ જજે આ રહેણાંક વિસ્તારમાંથી તાત્કાલિક ગંદકી દુર કરવા અને સેનિટેશનના વાહનો જાહેર રસ્તા પરથી ખસેડી લેવા સબંધિત વિભાગને સુચના આપી હતી. આ ઉપરાંત અમલવારીનો રિપોર્ટ આપવાની પણ તાકીદ કરતા તંત્ર દોડતું થયું હતું. લોકોની રજુઆતો પ્રત્યે અત્યાર સુધી દુલઁક્ષ સેવતા તંત્રએ તાબડતોબ કાયઁવાહી હાથ ધરતા લોકોમાં પણ હાશકારો ફેલાયો હતો.