વહેલી સવારે અચાનક આગ ભભૂકી: ૮૫ ટ્રક જેટલું સુકુ ઘાસ સળગીને ખાખ થયું: દસ ફાયર ફાઇટર સાથે આગ બુઝાવવા પ્રયાસ
શહેરની ભાગોળે આવેલા કોઠારિયા ખાતે જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટના ઘાસના ગોડાઉનમાં વહેલી સવારે અચાનક આગ ભભૂકતા અંદાજે રૂ.૭૦ લાખની કિંમતનું ૮૫ ટ્રક જેટલું સુકું ઘાસ સળગીને ખાખ થઇ ગયું હતું. દસ જેટલા ફાયર ફાઇટરની મદદથી આગ બુઝાવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે તેમ છતાં આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ન હતી.
કોઠારિયા ખાતે આવેલા જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટના ઘાસના ગોડાઉનમાં રાતે ત્રણેક વાગે અચાનક આગ ભભૂકતા ફાયર બ્રિગેડ સ્ટાફ દસ જેટલા ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા જહેમત ઉઠાવી છે.
આગના કારણે રૂ.૭૦ લાખની કિંમતનું ૮૫ ટ્રક જેટલું સુકું ઘાસ સળગી ગયું હતું. આગ કંઇ રીતે લાગી તે અંગે ગૌ શાળાના સંચાલકો અને ટ્રસ્ટીઓ અજાણ હોવાથી પોલીસે એફએસએલની મદદથી તપાસ હાથધરી છે.
જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટમાં અંદાજે ૧૦૦૦ જેટલી ગાયો હોવાનું અને છેલ્લા ૧૮ વર્ષથી ગૌ શાળા ચલાવવામાં આવતી હોવાનું ટ્રસ્ટના પ્રમુખ ગોરધનભાઇએ જણાવ્યું હતું. હાલ ગૌ શાળાનો ઘાસનો તમામ જથ્થો સળગી ગયો હોવાથી ગાયોના ઘાસ ચારા માટે કફોડી સ્થિથી સર્જાય હોવાથી દાતાઓએ જય સરદાર ગૌ શાળાની ગાયો માટે ઘાસનો જથ્થો મોકલવા અપીલ કરી છે.
આગ હજી ચાલુ હોવાથી ફાયર બ્રિગેડ સ્ટાફે ત્રણ ફાયર ફાઇટર ગૌ શાળા ખાતે સ્ટેન્ડ ટુ રાખી આગ પર સંપૂર્ણ કાબુ મેળવવા જહેમત ઉઠાવી રહ્યા છે.