લાલપુરના યુવકે બીમારથી કંટાળીને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે. શહેરમાં વણિક પ્રૌઢ બેશુઘ્ધ થઈ જતાં સારવારમાં મોત નિપજયું છે. લાલપુર તાલુકાના મોટા લખીયા ગામમાં રહેતા કમલેશભાઈ મુળુભાઈ મહીડા (ઉ.વ.૪૫) નામના યુવકને છેલ્લા ઘણા સમયથી માનસિક બિમારી હોય અને તેમની દવા ખંભાળીયા અને જામનગરની ચાલુ હોવા છતાં સારુ થતું ન હતું. જેથી બિમારીથી કંટાળીને ગઈકાલે સાંજના સમયે રીંજપર ખાવલ ધાર કનકેશ્વર મંદિર પાછળ ગળાફાંસો ખાઈને જિંદગી ટુંકાવી લીધી હતી.
આ બનાવની મૃતકના ભાઈ વાલજીભાઈ મુળુભાઈ મહીડાએ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી આરંભી છે. જયારે શહેરના દેવુબાગ પાસે, શત્રુખાના શેરી નં.૨, કલ્યાણજીના મંદિર પાસે રહેતા કેતનભાઈ સંપતલાલ શાહ (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ ગઈકાલે સાંજના પોતાના ઘર પાસેની ગલીમાં ચાલીને જતા હતા ત્યારે અચાનક બેશુઘ્ધ થઈને પડી જતા લોકો એકઠા થઈ ગયા હતા. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જયાં સારવાર કારગત નિવડે તે પહેલા જ મૃત્યુ નિપજયાનું પોલીસમાં જાહેર થયું છે.
લાલપુરમાં યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરીવારજનો ઉપર વ્રજઘાત તુટી પડયો હતો. નજીકના પરિવારજનોએ દિલાશો આપ્યો હતો. અન્ય બનાવમાં દેવુબાગ નજીકથી બેશુઘ્ધ હાલતમાં મળી આવેલા પ્રૌઢનું સારવારમાં મોત થતા પોલીસે કાર્યવાહી હાથધરી છે.