ઝવેરચંદ મેઘાણીના સંભારણા અને સંસ્મરણોની રસપ્રદ માહિતી અને દુલર્ભ તસવીરો કાયમી પ્રદર્શિત રહેશે
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળ ખાતે માહિતીસભર ગાંધી-મેઘાણી સચિત્ર પ્રદર્શન ખુલ્લું મુકાયું. મહાત્મા ગાંધી તથા કર્મભૂમિ રાણપુર સાથે ઝવેરચંદ મેઘાણીનાં લાગણીસભર સંભારણા-સંસ્મરણોની રસપ્રદ માહિતી અને દુલર્ભ તસવીરો અહીં કાયમી પ્રદર્શિત રહેશે. મુનીશ્રી સંતબાલજી પ્રેરિત છ દાયકાથી કાર્યરત અને રાણપુરનાં પ્રવેશ પાસે જ આવેલી આ ખાદી સંસ્થામાં રેંટિયો ક્રાંતના ગાંધીજી અને કસ્તુરબાની તસવીરો ખાસ સ્મૃતિરૂપે મુકાઈ છે. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા પરિકલ્પિત આ પ્રદર્શન તેમજ અહિં અગાઉ સ્થાપિત મેઘાણી સાહિત્ય કોર્નર રાણપુરનું અનોખું આકર્ષણ બનીને રહેશે.
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળના ગોવિંદસંગભાઈ ડાભી, સહકારી ક્ષેત્રના આગેવાનો દાજીભાઈ ફલજીભાઈ ડાભી અને ધીરૂભાઈ ફલજીભાઈ ડાભી, રાણપુર સાર્વજનિક એજયુકેશન સોસાયટીના મુકુંદભાઈ વઢવાણા, ખાદી ક્ષેત્રના મનુભાઈ ચાવડા, ગગુભાઈ ગોહિલ, ભુપતભાઈ ધાધલ, ભીખુભાઈ ડોડીયા, ધીરૂભાઈ રાઠોડ, વેલભાઈ સોલંકી, હરીભાઈ પટેલ, રાજાભાઈ પટેલ, હરદેવસિંહ રાણા, શાંતુબેન મઢવી અને દીવુબેન વાણીયા, વાલજીભાઈ પિત્રોડા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સહુએ મહાત્મા ગાંધી, કસ્તુરબા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, રવિશંકર મહારાજ, મુનિશ્રી સંતબાલજી અને સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠને ભાવાંજલિ અર્પણ કરી હતી.
ઝવેરચંદ મેઘાણીનાં હૃદયસ્પર્શી સંભારણાને પિનાકી મેઘાણીએ વાગોળ્યા હતા. ૨૮ વર્ષથી ખાદી ક્ષેત્રમાં કાર્યરત ભાલ નલકાંઠા ખાદી ગ્રામોધોગ મંડળના સેવાભાવી ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભીએ તેમની સંસ્થામાં ગાંધી-મેઘાણી પ્રદર્શનની સ્થાપના થઈ તે બદલ ગૌરવ અને આનંદની લાગણી વ્યકત કરી હતી. સાંપ્રત સમયમાં ખાદીનું વિશેષ મહત્વ પણ જણાવ્યું હતું. બોટાદ જિલ્લાના સરવા ગામના મુળ વતની એવા મેઘાણી-ગીતોનાં મેઘાવી લોકગાયક અભેસિંહ રાઠોડના કંઠમાં ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતોની મ્યુઝીક સીડીનો આસ્વાદ પણ સહુએ માણ્યો હતો.