જામનગરમાં બેડેશ્વર માર્ગે નવનિર્મિત ઓવરબ્રીજ નજીકના સ્પિડ બ્રેકર નિયમ મુજબના નથી તેમજ બ્રીજવાળો માર્ગ પણ ખરાબ થઈ ગયો છે. આ અંગે ફરિયાદો ઊઠવા પામી છે.
ડો. બિપીન એ. સંઘવીએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ઈન્ડિયન રોડ કોંગ્રેસના નિયમ પ્રમાણે સ્પિડ બ્રેકરની ઊંચાઈ ૧૦ સે.મી. અને પહોળાઈ સાડાત્રણ મીટરની હોવી જોઈએ, પરંતુ બેડેશ્વર માર્ગ તથા અન્ય માર્ગના કેટલાક સ્પિડબ્રેકર નિયમ મુજબના બનાવવામાં આવ્યા નથી. જે વધારે ઊંચાઈના હોવાથી મોટરકાર સ્પિપ બ્રેકર સાથે અથડાય છે. આથી તાત્કાલિક ધોરણે સ્પિડ બ્રેકર નિયમ પ્રમાણેનું બનાવવું જોઈએ.
ઉપરાંત આ બ્રીજની હાલત પણ ખરાબ છે. ક્યાંય લેવલીંગ નથી. બહું જ નજીકના ભવિષ્યમાં આ પુલ તૂટી જશે. વરસાદ પહેલા રોડ બરોબર હતો, પરંતુ એ પછી ખાડા-ખડબાવાળો બની ગયો છે. આથી બાંધકામ ગુણવત્તા ચકાસવી જોઈએ. ઉપરથી આ પુલ સાંકડો પણ છે. અહિંથી પસાર થતા ચોક્કસ બાઈકચાલક ખૂબ જ અવાજ પ્રદૂષણ કરે છે.જી.જી. હોસ્પિટલ પાસે ખાણી-પીણી વેંચનારા ખુલ્લો ઉઘાડો ખોરાકનું વેંચાણ કરી રહ્યા છે. જે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે તેમ છે.
શહેરમાં રાજમાર્ગો ઉપર રખડતા પશુ અડીંગો જમાવીને બેઠા રહે છે અને જાહેરમાં ગંદકી ફેલાવે છે. ઢોર પકડવાનું વાહન પસાર થાય તેની સાથે જ ઢોર માલિકો પાછળ પાછળ જતા જોવા મળી રહ્યા છે. જે ઢોરને હાંકી કાઢી થોડીવાર દૂર ખસેડે છે.
ક્ધયા શાળાથી શાક માર્કેટ, રતનબાઈ મસ્જિદવાળા માર્ગ રેંકડીઓ દ્વારા જાહેર માર્ગ ઉપર દબાણ કરતા રહેતા હોવાથી ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે. આ અંગે યોગ્ય પગલાં લેવા જરૂરી છે.
બેડી ગેઈટથી કે.વી. રોડ ઉપરની ગોલાઈમાં છકડોરિક્ષાવાળા રસ્તો રોકીને ઊભા રહે છે જેનાથી અન્ય વાહનચાલકને અકસ્માતનો ભય રહે છે.
ભંગારબજાર માર્ગ ઉપર ત્રણ-ચાર પોલીસ કર્મચારીઓ ઊભા જોવા મળે છે, પરંતુ તેઓ વાતોમાં અને મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહે છે. શું ત્યાંથી એકાદ-બે પોલીસ કર્મચારીને બેડી ગેઈટ ગોલાઈ પાસે ફરજ સોંપી શકાય નહીં?