તબીબો સાંજે ૬:૦૦ વાગ્યા સુધી પોતાની સેવાઓથી અળગા રહેશે
કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ મેડિકલ કમિશન બીલ સંસદમાં રજુ કરવામાં આવે તેવી સંભાવનાને લઈને ઈન્ડિયન મેડિકલ એસોસીએશને આજે હડતાલનું એલાન કર્યું છે જેના પગલે ઈન્ડિયન મેડિકલ એસોસીએશન સાથે જોડાયેલા તબીબો આજે પોતાની હોસ્પિટલ બંધ રાખશે. સાંજના ૬:૦૦ વાગ્યા સુધી તબીબો તબીબી સેવાઓથી અળગા રહેશે. હડતાલ દરમિયાન માત્ર ઈમરજન્સી સેવા જ ચાલુ રહેશે.૩૦ જુલાઈના રોજ કેન્દ્ર સરકાર સંસદમાં નેશનલ મેડિકલ કમિશન બીલ રજુ કરે તેવી શકયતા છે ત્યારે આ બીલના વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસીએશને હડતાલની જાહેરાત કરી છે. જેના પગલે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ખાનગી હોસ્પિટલોના તબીબો હડતાલમાં જોડાયા છે.
આજરોજ સવારે ૬ થી સાંજના ૬ દરમિયાન દરેક દવાખાનાઓ અને લેબોરેટરીઓ બંધ પાળશે. ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના જણાવ્યા મુજબ એનએમસી બીલ માત્ર તબીબો જ નહીં જનવિરોધી પણ છે. આ બીલનો અમર થશે તો ગરીબો અને વંચિત વર્ગ માટે તબીબી શિક્ષણ અપ્રાપ્ય બની જશે.એનએમસી બીલ ૨૦૧૭ના આગમન સમયે ઉતરાખંડ, મહારાષ્ટ્ર જેવા રાજયોમાં ખાનગી મેડિકલ કોલેજોએ એમબીબીએસના પ્રત્યેક વર્ષ માટે રૂ.૨૫ લાખથી ૩૦ લાખની ફિ ઉઘરાવવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત ધનિકો માટે ૫૦ ટકા બેઠકોની અનામત સમાન તકોનો ઈન્કાર થયો છે. ઉપરાંત રાજયની હેલ્થ યુનિવર્સિટીની મહત્વની ભૂમિકા પણ એનએમસી બીલ પસાર થયા બાદ ગૌણ બની જશે.