સંતો દ્વારા લિખિત પ્રેરણાદાયી પુસ્તકોનું કરાયું વિમોચન
ઢેબર રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરૂકુલ ખાતે ગૂરૂપૂર્ણિમા પ્રસંગે મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું હતુ કે શિષ્યએ સદગૂરૂને માનવા એ સાથે અમેના વચન પણ માનવાને જીવનમાં ઉતારવાથી ગૂરૂ અને ભગવાનની કૃપા મળે છે. પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર રાજકોટ ગુરૂકુલ અને તેની દેશ વિદેશની ૩૫ શાખાઓમાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ગુરૂપૂજન કરવા ઉમટેલા. તેઓને પૂજનનો પૂર્ણ ન્યાય મળે, તેમની ભકિતમય કૃતિઓ ગૂરૂના ચરણે સમર્પિત કરી શકે એ અર્થ ગૂરૂપૂર્ણિમાં પૂર્વે સંધ્યાએ ખાસ બાળકો માટે જ ગૂરૂભકિત અદા કરવાનું આયોજન કરાયેલ હતુ.
ગૂરૂપૂર્ણિમાને દિવસે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનો અભિષેક ગૂરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીએ કરેલ. ભગવાનને મહાપૂજા તથા મહાવિષ્ણુયાગ અને અન્નકુટનું આયોજન કરાયેલ.
વિદ્યાલયના વિશાળ પરિસરમાં ગૂરૂપૂર્ણિમાં મહોત્સવનો પ્રારંભ દીપ પ્રાગટય અને ગૂરૂણામ્ગૂરૂ ભગવાન સ્વામિનારાયણની ચરણ પાદુકાનું પૂજન દેવકૃષ્ણદાસજી સ્વામીએ કરેલ.
ગૂરૂદેવ શાસ્ત્રીજી મહારાજના અંતેવાસી શિષ્યો લક્ષ્મીનારાયણજી સ્વામી, ઘનશ્યામદાસજી સ્વામી. જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી, ધર્મવલ્લભદાસજી સ્વામી, ભકિત વલ્લભદાસજી સ્વામી તથા પ્રભુ સ્વામી વગેરે ગૂરૂદેવ શાસ્ત્રીજી મહારાજ તથા પૂરાણી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, જોગી સ્વામી, કોઠારી સ્વામી વગેરે અક્ષરનિવાસી સંતોનું પૂજન કર્યું હતુ.
પુરાણી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામીતથા લક્ષ્મીનારાયણદાસજી સ્વામી તેમજ ઘનશ્યામજીવનદાસજી સ્વામીએ પ્રાસંગીક ઉદબોધન કરેલ હતુ.
ગૂરૂપૂજન કરવા આફ્રિકાના મોમ્બાસાથી પધારેલા ભકતોમાંથી વાલજી નારાયણ, ગીનીયાથી પધારેલ રાકેશભાઈ દુધાત વગેરે દેશ-વિદેશથી પધારેલ ભકતોએ ગૂરૂવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીનું પૂજન કરેલ હતુ.
આ પ્રસંગે પ્રભુ સ્વામીએ કહ્યું હતુ કે હરિભકતો અને વિદ્યાર્થીઓએ ગૂરૂનું પૂજન કર્યું એમની ભાવનાને સંતોએ રાજીપો દર્શાવતા દરેક ભકતોનાં ભાલમાં ચંદનની અર્ચા કરી, ચોકલેટ અને પુષ્પાંખડીથી નવાજી આશીર્વાદઆપેલ હતા.
ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી લિખિત ભારતીય સંસ્કૃતિનું પોષણ અને પ્રવર્તન કરનારા મહાન સંતો તેમજ ભાવિકોના જીવનમાંથી પ્રેરણાદાયી પ્રસંગોનું પુસ્તક પ્રેરક પ્રસંગોનું વિમોચન કરાયેલ હતુ તથા વચનામૃત દ્વિશતાબ્દી ઉપલક્ષ્યે વિવેકસ્વરૂપદાસજી સ્વામી લિખિત વચનામૃત કાવ્ય ભાગ ૧ અને ૨નું વિમોચન તથા લક્ષ્મીનારાયણદાસજી સ્વામી લિખિત ગૂરૂદેવના જીવનકવનનું અંગ્રેજી પુસ્તકનું વિમોચન કરવામાં આવેલ હતુ.
અંતમાં એલઈડી પર ગૂરૂકુલ દ્વારા થયેલ છેલ્લા વર્ષના સેવાકાર્યોનું નિદર્શન કરી ભકતોએ ભોજન પ્રસાદ લીધેલ હતો.