બળવાના માર્ગે ગયેલા કોંગ્રેસી સભ્યો અર્જુન ખાટરીયાના સારથી બનશે તો જ કોંગ્રેસનું શાસન જળવાય રહેશે
જિલ્લા પંચાયતનું શાસન ડગમગવાનું મુખ્ય કારણ જ્ઞાતીવાદ, ઘણા માથાઓ એક થઈ જતા પ્રમુખપદ પર આવ્યું જોખમ
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ સામે અવિશ્ર્વાસની દરખાસ્તની વૈતરણી પાર કરવા માટે અર્જુન ખાટરીયા સારથી તરીકે સભ્યોરૂપી કૃષ્ણની રાહ જોઈ રહ્યા હોવાનું તેઓએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું. ઉપરાંત તેઓએ કોંગ્રેસના ગુમરાહ થયેલા તમામ સભ્યો સમિતિની રચનામાં કોંગ્રેસનો સાથ પુરવશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખના પતિ અને કારોબારી ચેરમેન અર્જુનભાઈ ખાટરીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આજરોજ સામાન્ય સભામાં સમિતિની રચના થવાની છે. જેમાં જિલ્લા પંચાયતના કોંગ્રેસના ગુમરાહ થયેલા અને રાહ ભટકેલા તમામ સભ્યો કોંગ્રેસનો જ સાથ પુરવશે. ગુમરાહ થયેલા ૨૪ સભ્યો અમારા સંપર્કમાં છે અને અમને તેઓ પર સંપૂર્ણ ભરોસો છે. સામાન્ય બેઠકમાં સમિતિની રચના વખતે તેઓ કોંગ્રેસ પક્ષની સાથે જ રહેશે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા દ્વારા કોંગ્રેસના તમામ સભ્યોને વ્હીપ આપવામાં આવશે.
આ વ્હીપ મુજબ જ કોંગ્રેસના તમામ સભ્યો સમિતિની રચના વખતે પોતાનો મત આપશે.
વધુમાં અર્જુનભાઈ ખાટરીયાએ જણાવ્યું કે, જિલ્લા કોંગ્રેસ એક પરીવાર છે. પરીવારમાં નાની-મોટી તકલીફો આવ્યા કરે છે. જેના કારણે અનેક સભ્યોને મન દુ:ખ થયું છે. જિલ્લા કક્ષાથી લઈને પ્રદેશ કક્ષા સુધીના કોંગ્રેસના હોદેદારોએ આ સભ્યોને તકલીફો દુર કરવા માટે અનેક બેઠકો યોજી છે. કોંગ્રેસ પક્ષથી નારાજ સભ્યોને જો યોગ્ય પદ પણ આપવું પડે તો તેની પણ તૈયારી પ્રદેશ કક્ષાએથી દર્શાવવામાં આવી છે. ગમે તેવી ખરાબ સ્થિતિમાં પણ પાર્ટીને વફાદાર રહીને પાર્ટીને થતું નુકસાન રોકવું એ મારી ફરજ છે. જ્ઞાતિવાદને લઈને કોઈ વિવાદ નથી. અસંતુષ્ટો તો તેમની ભૂમિકા બજાવે જ છે પરંતુ પક્ષના સજ્જન વ્યકિતઓ પણ તેમની સાથે છે જેઓ સામાન્ય બાબતે પક્ષથી નારાજ છે. ખાટરીયાએ વધુમાં ઉમેર્યું કે, જિલ્લા પંચાયતમાં જ્ઞાતીવાદનો કોઈ પ્રશ્ર્ન નથી. પાટીદાર, કોળી, દલિત અને ક્ષત્રિય સમાજ તેઓની સાથે જ છે. અર્જુન ખાટરીયાએ હાલ ચાલી રહેલા વિવાદમાં જ્ઞાતીવાદ કારણભુત ન હોવાનું નિવેદન આપ્યું છે પરંતુ આ વિવાદનું મુખ્ય કારણ જ્ઞાતીવાદ જ હોવાનું જાણવા મળ્યું છે. અર્જુનભાઈ ખાટરીયાએ અનેક વિસ્તારોમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે પ્રયત્નો કર્યા હતા. તેમાં પણ ખાસ કરીને તેઓ ગોંડલ વિધાનસભાની ચુંટણી લડયા હતા. અનેક જગ્યાએ પોતાનું વર્ચસ્વ જમાવવાના પ્રયત્ન બાદ આજે અર્જુનભાઈ સામે મોટા માથાઓ એક થઈ ગયા છે. જેના કારણે જિલ્લા પંચાયતના પ્રમુખપદ સામે મોટુ જોખમ ઉભું થયું છે.
અંતમાં અર્જુનભાઈ ખાટરીયાએ કહ્યું હતું કે, રાજકોટ જિલ્લા પંચાયતના શાસનને તોડી પાડવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી અનેક સભ્યોને પોતાના તરફ ખેંચવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેમ છતાં જિલ્લા પંચાયતને તોડવાનો ભાજપનો હેતુ કયારેય સિદ્ધ થશે નહીં.
સમિતિઓમાં ગુમરાહ થયેલા કોંગી સભ્યોને પણ સ્થાન
જિલ્લા પંચાયતના કોંગ્રેસના ૨૪ સભ્યો ભાજપની તરફેણમાં ગયા છે. કોંગ્રેસ પક્ષ પ્રત્યેની નારાજગીના કારણે આ સભ્યોએ ભાજપનો હાથ પકડયો છે પરંતુ આ સભ્યો સતાવાર રીતે ભાજપમાં હજુ ભળ્યા નથી ત્યારે આજે થનારી સમિતિની રચના અંગે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન અર્જુનભાઈ ખાટરીયાએ અબતક સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુમરાહ થયેલા કોંગ્રેસના સભ્યો સમિતિની રચના વખતે કોંગ્રેસના વ્હીપ મુજબ જ મતદાન કરશે. ઉપરાંત કોંગ્રેસ દ્વારા મુકવામાં આવનાર સમિતિઓના સભ્યોની નામાવલીમાં કોંગ્રેસના ગુમરાહ થયેલા સભ્યોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.