પ્રમુખના ચેમ્બરમાં ૫૫ ઇંચનું એલઇડી ટીવી અને ડીડીઓના ઘરે ઇનર્વટર ખરીદવામાં આવશે : કચેરીમાં સીસીટીવી લગાવવાનું કામ પેન્ડિંગ રખાયું
મોરબી જિલ્લા પંચાયતમાં આજે કારોબારી સમિતિની બેઠક મળી હતી. કારોબારીની મુદત ૨૭મીએ પૂર્ણ થતી હોય, હાલના કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયાના અધ્યક્ષ સ્થાને અંતિમ કારોબારી મળી હતી. બેઠકમાં બિનખેતીની ૨૭ ફાઈલોને મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી.
આજરોજ મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક મળી હતી. કારોબારી સમિતિની મુદત ૨૭મીએ પૂર્ણ થતી હોવાથી ચેરમેન કિશોર ચીખલીયાના અધ્યક્ષ સ્થાને આ અંતિમ કારોબારી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ખટાણા તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગોહિલની ઉપસ્થિત રહી હતી.
જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં કિશોર ચીખલીયાના અધ્યક્ષ સ્થાને ૨૭ બિનખેતીની ફાઈલો પર મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી. બેઠકમાં આઉટ સોર્સિંગ કર્મચારીઓના શોષણનો પ્રશ્ન પણ ગાજયો હતો. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીના રહેઠાણ ખાતે ઇન્વરટર તેમજ જિલ્લા પંચાયત પ્રમુખના ચેમ્બરમાં ૫૫ ઇંચનું એલઇડી ટીવી ખરીદવાને મંજુરી આપવામાં આવી હતી.
આ ઉપરાંત રાજપર- ખારચિયા એપ્રોચ રોડ, સફાઈની કામગીરી માટે મયુર સેનેટરી માર્ટ સહકારી મંડળી લી.ના ભાવો ચાલુ રાખવા માટે, સિક્યુરિટીની કામગીરી માટે પુનિત સિક્યુરિટી, રાજકોટના ભાવ ચાલુ રાખવા માટે તેમજ હળવદ તાલુકાના ચંદ્રગઢના રોડ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે જિલ્લા પંચાયત કચેરી માટે સીસીટીવી ખરીદવાના કામને પેન્ડિંગ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બેઠકમાં કારોબારી ચેરમેન કિશોર ચીખલીયા દ્વારા અધ્યક્ષ સ્થાનેથી જનરલ ઉદ્યોગના કેસમાં બિનખેતી માટે જિલ્લા ઉદ્યોગ કચેરીનું એનઓસી ન લેવા બાબતે તેમજ પ્રામાણિક ઉદ્યોગ હેતુ માટેની બિન ખેતી માટે દસ્તાવેજની નકલ, કાચી નોંધ અને સૂચિત લે આઉટ પ્લાન મળ્યે એન.એ.માટેની આગળની કાર્યવાહી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની મુદત ૨૭મીએ પૂર્ણ થવાની છે. તેમ છતાં વિખવાદના કારણે સમિતિઓની રચના કરવામાં આવી નથી.
જેથી હવે જ્યાં સુધી કારોબારી સમિતિની રચના ન થાય ત્યાં સુધી વિકાસના કામોના નિર્ણય સામાન્ય સભામાં કરવામાં આવશે.