જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પત્રકારો ઉપર લાદવામાં આવેલી પ્રવેશબંધી અંગે આજે સાનુકૂળ વાતાવરણમાં મળેલી બેઠક સુખદ રહી હતી.
કહેવાય છે કે એવો કોઈ પ્રશ્ન જટિલ નથી હોતો કે તેની ચર્ચાથી સમાધાનનો માર્ગ મળે નહીં. આવું જ કાંઈક આજે જામનગરમાં જિલ્લા પંચાયત અને પત્રકારો વચ્ચે થયેલી બેઠકમાં સમાધાન રૃપે થયું હતું.
જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મીડિયા કર્મીઓને પ્રવેશ આપવામાં નહીં આવતા રોષ ફેલાયો હતો. આ પહેલાની સામાન્ય સભામાં પણ જિલ્લા વિકાસ અધિકારીએ મીડિયા કર્મીઓને સામાન્ય સભાના કવરેજથી દૂર રાખ્યા હતાં, પરંતુ ગઈકાલે આ ઘટનાનું પૂનરાવર્તન થતા મામલો ગરમાયો હતો અને જિલ્લા કલેક્ટર સુધી પહોંચ્યો હતો.
આખરે આ મુદ્દે ચર્ચા કરવા ડીડીઓ દ્વારા મીડિયા કર્મીઓને બોલાવાયા હતાં. જેથી આજે સવારે ડીડીઓ પ્રશસ્તી પારિક અને મીડિયા કર્મીઓની બેઠક મળી હતી જેમાં કેટલાક મુદ્દે ગવેરસમજ હોવાનું જણાવ્યું હતું. આખરે ડીડીઓએ જણાવ્યું હતું કે મીડિયા કર્મી પોતાની ફરજના ભાગરૃપે સામાન્ય સભામાં હાજરી આપે તો કશો વાંધો નથી. આખરે મીડિયાએ સકારાત્મક વલણ દાખવી ડીડીઓની વાત સામે સહમતી દર્શાવતા સુખદ અને સુમેળભર્યા વાતાવરણમાં બેઠક સંપન્ન થઈ હતી.મીડિયાકર્મીની શીસ્તતા પણ જરૃરી જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મીડિયા કર્મીઓના પ્રવેશના પ્રશ્ન ઉકેલાયો, તે આવકાર્ય છે. સાથે સાથે મીડિયાકર્મીઓ પણ પોતાની શિસ્તા બનાવે તેવી ટકોર તંત્રએ કરી હતી.
સામાન્ય સભામાં ચૂંટાયેલા સભ્યોનું હાથ ઊંચો કરી મતદાન કરવાના સમય ટાંકણે મીડિયા કર્મીઓ વચ્ચે ઊભા હોવાથી ક્યા સભ્યએ મતદાન કર્યું તે જોવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. આથી મીડિયા કર્મચારીઓ સામાન્ય સભાની કાર્યવાહીમાં ખલેલ પહોંચે નહીં તે રીતે પાછળ અથવા સાઈડમાં ઊભા રહીને પોતાના કામને સંપન્ન કરે તે પણ જરૃરી છે.