રીયલ એસ્ટેટમાં આવેલી મંદીને પગલે બેન્કોના ૧.૩૦ લાખ કરોડનાં ધીરાણ વસુલવા મુશ્કેલ બન્યાં
રીયલ એસ્ટેટ ક્ષેત્રે આવેલી જોરદાર મંદીને કારણે હાઉસીંગ લોન માટે ધીરાણ કરનાર ભારતીય બેન્કો અંદાજે રૂપિયા ૧.૩૦ લાખ કરોડનાં ધિરાણ વસુલવા માટે જજુમી રહી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. પ્રોપર્ટી ડેવલોપર્સને આપવામાં આવેલી લોન પડકારરૂપ બની ગઈ હોવાથી ભારતીય બેંકો માટે દાયકાનો સૌથી ખરાબ સમય આવ્યો છે અને બેન્કો નબળી રિકવરીનો સામનો કરી રહી છે.
પ્રોપર્ટી લોનમાં ફસાયેલ નાણાની વસુલાત માટે ભારતીય બેંકો દ્વારા આવી લોન વેચવા માટે કાર્યવાહી શરૂ કરી છે. કોટક ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સના મેનેજીંગ ડિરેકટર એસ.સીનીવાલનનાં જણાવ્યા મુજબ હોમ લોનમાં છેલ્લા ચાર વર્ષમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે અને ભાવોમાં ૨૦ ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં કોટક મહિન્દ્ર જુથ આવી મિલકતો ખરીદવા માટે મેદાનમાં આવ્યું છે અને બેન્કોની ફસાયેલી લોનનાં બ્લોક ખરીદી કરી રહ્યા છે.
વર્ષ ૨૦૧૮નાં પ્રથમ છ મહિનામાં ભારતનાં મેટ્રોસિટી અને અન્ય શહેરોમાં સંપતિના ભાવ સતત ઘટી રહ્યા છે. નાઈટફ્રેન્કનાં એક અહેવાલના જણાવ્યા મુજબ ફુગાવો અને વ્યાજદર વધતા ઉધોગ માટે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાય છે. તેમાં પણ ખાસ કરીને નોટબંધી, જીએસટી, રેરા જેવા કાયદા અમલમાં આવ્યા બાદ મિલકતોના ભાવ તળીયે બેસી ગયા હોય બેન્કો દ્વારા અપાયેલી હાઉસીંગ લોનની ચુકવણીમાં તમામ બેન્કોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઈન્ડીયા બુલ્સ એલેટ રિક્ધટ્રકશન કંપની લીમીટેડનાં જણાવ્યા મુજબ રીયલ એસ્ટેટ ક્ષેત્રે મંદી ઉપરાંત અનેક એવા પ્રોજેકટો તૈયાર થયેલા પડયા છે. જેના કોઈ ખરીદદાર મળતા નથી. ઉલ્લેખનીય છે કે લોન ખરીદનારાઓ દ્વારા અગાઉ ૪૦૦ કરોડ રૂપિયાની ન વસુલાવેલી લોન ખરીદવામાં આવી છે જેની સ્થિતિ પણ જેમની તેમ યથાવત છે. જેથી આવી અસ્કયામતો ખરીદનાર કંપનીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે બેન્કો દ્વારા રીયલ એસ્ટેટ ડેવલોપર્સ પાસેથી ૧.૮ લાખ કરોડની આવક થઈ હતી. બિન બેકિંગ ફાયનાન્સનાં અહેવાલો મુજબ આ સેકટરમાં ૨.૨ લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે અને હાલમાં બેન્કો અને ફાયનાન્સ કંપનીઓ રીયલ એસ્ટેટ માર્કેટમાં જોખમી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. આ સંજોગોમાં કોટક મહિન્દ્રા, જુથનાં શ્રીનિવાસને જણાવ્યું હતું કે, હાલમાં બેંકો ૧.૩૦ લાખ કરોડનાં હોમ લોન્સનાં ધીરાણો વસુલવા માટે કાર્યવાહી કરી અને આવનાર સમયમાં આ સ્થિતિ વધુ ખરાબ બની શકે તેમ છે.