ખેતરે ચાલવાના પ્રશ્ર્ને મહિલા સહિત પાંચ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો’તો
ધોરાજી તાલુકાના ભાડેર ગામે ખેતરમાં ચાલવાના પ્રશ્ર્ને એકાદ માસ પહેલાં મુસ્લિમ પ્રૌઢની થયેલી હત્યાના ગુનામાં મહિલા સહિત પાંચની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરતા અદાલતે મહિલા આરોપીનો જામીન પર છોડવા હુકમ કર્યો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાડેર ગામના હરૂભાની વાડી વાવવા માટે જૂનાગઢ જિલ્લાના રવની ગામના મુસાભાઇ સાંધેએ રાખી હતી અને બાજુમાં વાડી ધરાવતા જયંતી સાંગાણીને હલણના પ્રશ્ર્ને વિવાદ ચાલતો હોવાથી એકાદ માસ પહેલાં મુસા સાંધની જયંતી સાંગાણી, અલ્પેશ રમેશ સાંગાણી,વલ્લભ જયંતી સાંગાણી, ભાવીન જીવણ સાંગાણી અને શાંતાબેન જયંતી સાંગાણી નામના શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યા કર્યાની પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.મુસા સાંધની હત્યાનો બદલો લેવા ગત તા.૪ જુલાઇએ જીવણ સાંગાણીનું અપહરણ કરી બંદુકથી ફાયરિંગ કરી હત્યા કર્યાનો ગુનો નોંધાયો હતો. મુસા સાંધની હત્યાના ગુનામાં જેલ હવાલે થયેલી શાંતાબેન સાંગાણીએ ધોરાજી કોર્ટમાં જામીન પર છુટવા કરેલી અરજી અદાલતે મંજુર કરી જામીન પર છોડવા હુકમ કર્યો છે. બચાવ પક્ષે એડવોકેટ તરીકે સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, સંજય ઠુમ્મર, સહદેવ દુધાગરા અને હિરેન ડોબરીયા રોકયા હતા.