શબારીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની મહિલાઓને પ્રવેશ મુદ્દે સુપ્રીમ કોર્ટે બંધારણીય સિદ્ધાંતનો ભંગ ગણાવ્યો
કેરળના શબરીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની વયજુથની મહિલાઓને પ્રવેશબંધી ને પડકારતી રીટ મામલે સુપ્રિમકોર્ટની બેચે સુનાવણી હાથ ધરી આવા નિયમોને બંધારણીય સિદ્ધાંતના ભંગ સમાન ગણાવી ધાર્મિક પરંપરા અને અંધશ્રદ્ધા વચ્ચે ભેદ પરખવાનો સમય પાકી ગયો હોવાનું જણાવ્યું હતું.
કેરળના શબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર લાગેલી રોક પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે સુપ્રીમ કોર્ટે આ કેસને બંધારણિય બેંચને સોંપી દીધો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પૂછવામાં આવેલા સવાલો પર બંધારણિય પીઠે વિચાર કરવો પડશે. છેલ્લા ૧૫૦૦ વર્ષથી આ મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર રોક છે. જેને લઈને રાજ્યમાં આંદોલન પણ ચાલી રહ્યુ છે. મંદિરમાં પૂજા-પાઠનો હક્ક મેળવવા મહિલા સંગઠનોએ સુપ્રીમ કોર્ટેમાં કેસ દાખલ કર્યો હતો.
શબરીમાલા મંદિરમાં પ્રવેશ સંબંધી વર્ષ ૧૯૯૦માં કેરળ હાઈકોર્ટમાં અરજી થઈ હતી. જેમાં કેરળ હાઇકોર્ટે પરંપરાનો હવાલો આપતા અરજી ફગાવી દીધી હતી. ત્રાવણકોર દેવાસ્વમ બોર્ડની દલીલ છે કે ભગવાન અયપ્પા નૈશ્ઠિક બ્રહ્મચારી છે. તેથી ૧૦થી ૫૦ વર્ષ વચ્ચેની મહિલાઓએને મંદિરમાં ન જવા દેવાય.
બોર્ડે દાવો કર્યો છે કે, આ ઉંમર દરમિયાન મહિલાઓ રજસ્વલા થતી હોય છે. તેથી મંદિરમાં તેમના પ્રવેશથી બ્રહ્મચારી અયપ્પાની મર્યાદા ભંગ થાય છે. જોકે સુપ્રીમ કોર્ટે આ દલીલોને બંધારણીય લૈંગિક સમાનતાના મામલે પહેલી નજરમાં પાયાવિહોણી ગણી હતી.
બીજી તરફ નાયર સર્વિસીસ સોસાયટીના વકીલ અને ભૂતપૂર્વ એટર્ની જનરલ પરાસરને જણાવ્યું હતું કે ૧૦ વર્ષથી નીચે અને ૫૦ વર્ષથી ઉપરની સ્ત્રીઓને પરંપરા મુજબ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
જો કે સુપ્રિમકોર્ટની બેચના ન્યાયમૂર્તિ નરીમાન અને ચંદ્રચુડે ભારતીય બંધારણની જુદી જુદી કલમો ટાંકતા જણાવ્યું હતું કે બંધારણમાં જાતિના આધારે ભેદભાવ પર પ્રતિબંધ છે ત્યારે શબરીમાલા મંદિરમાં વૈવિધ્યપૂર્ણ વાયજુથમાં મહિલાઓના પ્રવેશ માટે નો દરજ્જો પણ બંધારણીય સિદ્ધાંતના ભંગ સમાન છે.