બ્રહ્માંડના લાલ ગ્રહ પર ૨૦ કિમી વિશાળતા ધરાવતું તળાવ મળી આવ્યું: મંગળ પર માનવ જીવન શકય હોવાના ખગોળશાસ્ત્રીઓના સંશોધનોને સફળતા
જીવન જીવવા માટેના હવા, પાણી સહિતના તમામ દ્રવ્યો કે જે સમગ્ર બ્રહ્માંડમાં માત્ર પૃથ્વી પર જ જોવા મળે છે અને આથી જ પૃથ્વી પર માનવ જીવન શકય છે. વૈજ્ઞાનિકો, ખગોળશાસ્ત્રીઓ અને અવકાશયાત્રીઓ ઘણા સમયથી અન્ય ગ્રહ પર માનવ જીવન માટેના સંશોધનો કરી રહ્યા છે ત્યારે આ સંશોધનના પ્રયાસોને સફળતા મળી હોય તેમ મંગળ ગ્રહ પર એક તળાવ મળી આવ્યું છે. મંગળ ઉપર પાણી મળતા વધુ એક ગ્રહ પર જીવન જીવી શકાશે તેવી ધારણા સેવાઈ છે. ઉલ્લેખનીય છે કે મંગળ પર પાણી હોવાના દાવા અગાઉ પણ વૈજ્ઞાનિકો કરી ચુકયા છે પરંતુ હવે એક આખું તળાવ મળી આવ્યું છે. જેણે મંગળ પર માનવ જીવન શકય હોવા તરફ વૈજ્ઞાનિકોને વધુ પ્રોત્સાહિત કર્યા છે.
આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્રીઓએ બુધવારના રોજ આ વિશે માહિતી આપતા કહ્યું કે, મંગળ પરનું આ તળાવ ૨૦ કિમી વિશાળ છે. આ લાલ ગ્રહ પર આજસુધી કયારેય આ પ્રમાણે તળાવ મળી આવ્યું નથી. અમેરિકા જર્નલ સાયન્સ ખાતે ઈટાલીયન સંશોધકો દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે મંગળ પર પાણીના સ્પષ્ટ સંકેતો મળી આવ્યા છે અને ભવિષ્યમાં મંગળ પર માનવ જીવન હશે તેની ધારણા વધુ પ્રબળ બની છે. જોકે, મંગળ ગ્રહ હાલ ઠંડો અને એક સુકો પ્રદેશ છે અને આ મળી આવેલ તળાવ ૩.૬ બિલીયન વર્ષ જુનુ હોવાનું અનુમાન છે.
પાડોશી ગ્રહ પર ભવિષ્યમાં જીવન વસવાટના સંકેતો મળતા વૈજ્ઞાનિકો વધુ અભ્યાસ અર્થે જોડાયા છે. ખગોળશાસ્ત્રીઓએ જણાવ્યું કે, આ તળાવનું પાણી પીવાલાયક પણ છે તેમજ ખુબ જ ઠંડુ છે અને ૧.૫ કિમી સુધી ઉંડુ હોવાની શકયતા છે.