૯૧૧૧ રિ-ચેકિંગની અરજીઓમાંથી ૪૬૩૨ વિદ્યાર્થીઓના માર્ક વધારાયા
સીબીએસઈ ધો.૧૨ની ઈશ્રીતા ટોપર બની કારણકે તેણે રાજનૈતિક વિજ્ઞાનમાં ઓછા માર્ક સ્વીકાર્યા ન હતા. ઈશ્રીતા હોશિયાર વિદ્યાર્થી હતી જેને તમામ વિષયોમાં ૯૫ માર્ક મળ્યા હતા. પેપર રિચેકિંગ કરતા તેના ૧૭ જવાબોમાં ખોટા માર્ક અપાયા હતા અને રીચેકિંગ બાદ તેનો સ્કોર ૨૨ માર્કથી વઘ્યો હતો. ઈશ્રીતા એકલી ન હતી પણ રિચેકિંગની અરજી કરનારા અડધો-અડધ વિદ્યાર્થીઓના માર્ક વધારવામાં આવ્યા હતા.
સીબીએસઈ ધો.૧૨ માટે કુલ ૯૧૧૧ વિદ્યાર્થીઓએ પેપર રિચેકિંગ માટેની અરજી કરી હતી. જેમાંથી ૪૬૩૨ વિદ્યાર્થીઓના માર્કસમાં વધારો કરાયો હતો. ઘણા સાચા જવાબોમાં ઝીરો માર્ક આપવામાં આવ્યા હતા. પેપર ચેકિંગમાં ગફલત કરનાર ૨૧૪ શિક્ષકોના મોટા બ્લન્ડર બાદ તેના પર કાર્યવાહી કરવામાં આવશે. રિટોટલ જોયા બાદ જ વિદ્યાર્થીઓ રિચેકિંગની અરજી કરી શકે છે. ૨૪મી જુને સામે આવ્યું કે, ગણિત અને કોમ્પ્યુટર સાયન્સમાં સૌથી મોટી ગફલતો સામે આવી હતી. બોર્ડે એક જ પેપર બે શિક્ષકો પાસે ચેક કરાવતા ભુલો નિકળી આવી હતી. ગત વર્ષે રિચેકિંગ દિલ્હી હાઈકોર્ટમાં જ કરવામાં આવ્યું હતું.
સીબીએસઈના સેક્રેટરી અનુરાગ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, બે શિક્ષકોને એક જ પેપર આપવાની પઘ્ધતિ ૯૯ ટકા સફળ રહી છે અને જવાબવહીઓ સાચી રીતે ચેક કરવામાં આવી છે. કુલ ૬૧.૩૪ લાખ જવાબવહીઓ માટે ૫૦ હજાર પેપર ચેકરો નિમવામાં આવ્યા હતા. ત્રિપાઠીએ કહ્યું કે, આ વર્ષથી જ ડબલ ચેકિંગ સિસ્ટમની અમલવારી કરવામાં આવશે તેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી ન પડે.
જયારે સ્કૂલના પ્રિન્સીપાલનું કહેવું છે કે રિ-ચેકિંગ બાદ અડધો અડધ માર્કમાં ચમત્કારિક વધારો સામાન્ય નથી.