માલ્યાએ મિલકતો વેચીને બેંક લોન ભરપાઈ કરવાની તૈયારી દર્શાવી
ભારતના કરોડો રૂપિયા ડુબાડનાર શરાબના વેપારી વિજય માલ્યા સરકારની સાથે પોતાની મરજીથી ભારત પાછા આવવાની વાતચીત કરી રહ્યા છે. સુત્રોના જણાવ્યાનુસાર તે ભારત પરત ફર્યા બાદ બેંકો પાસેથી લીધેલી લોન પણ ચુકવવા માંગે છે. જોકે હજી લંડનની કોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણની સુનાવણી ચાલી રહી છે.
માલ્યા પર બેંક ફ્રોડ, મની લોન્ડરીંગ અને બંધ થઈ ચુકેલી કિંગફિશર એર લાઈન્સની ૧૦ હજાર કરોડ રૂપિયાની લોનનો મામલો ચાલી રહ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે થોડાક જ સમયમાં આ મામલે સુનાવણી પુરી થઈ જશે. જો આ સંદર્ભે માલ્યાને ભારતને સોંપવામાં આવી દેશે તો તેને ભારતમાં સુનાવણી દરમિયાન જેલ હવાલે પણ કરી શકાય છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલે ભારત પરત આવવા માટે માલ્યાએ ઈડીનો સંપર્ક કર્યો છે. જોકે ઈડીએ આ સંદર્ભે માલ્યાને કોઈપણ પ્રકારનો વાયદો કર્યો નથી. જો તેઓ પરત ફરે છે તો એનો મતલબ એ નથી કે તેની ઉપર કાર્યવાહી નહીં થાય. ભારત પરત ફર્યા બાદ પણ માલ્યાએ ભારતીય કોર્ટમાં કેસ લડવો પડશે. સંભવત: ભારત પરત ફર્યા પછી માલ્યાને બે-ત્રણ દિવસ જેલની હવા પણ ખાવી પડે. બાદમાં જમાનત પર તેને છોડી શકાય. જો પોતાની મરજીથી પરત ફરે છે તો ઈડી દ્વારા તેને ઈમરજન્સી ટ્રાવેલ ડોકયુમેન્ટ આપી શકાય છે. ત્યારબાદ પ્રત્યાપર્ણનો કેસ આપમેળે જ બંધ થઈ જશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, જો માલ્યા ભારત પરત ફરે છે તો તેની તુરંત જ ધરપકડ કરવામાં આવશે. એવું કોઇ આયોજન નથી કે તેમની ઉપર ચાલી રહેલા કેસને પાછા ખેંચી લેવાય. તેમને ભારતીય કાયદા-કાનુનનો સામનો કરવો પડશે. ત્યારબાદ ભારતીય અદાલત જ આ મામલે ફેંસલો કરશે. માલ્યાએ દગાબાજી કરી છે કે પછી તેમનો બિઝનેસ ફેલ જવાથી આવું થયું ? જોકે ભારત સરકાર દગાબાજીના મામલે માલ્યા પર કેસ કરશે. ઉલ્લેખનીય છે કે માલ્યાએ ઈડીનો સંપર્ક શા માટે કર્યો તે હજી સ્પષ્ટ થયું નથી. આમ છતાં ઈંગ્લેન્ડમાં સીબીઆઈ દ્વારા પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે. જો માલ્યા પરત આવવા ઈચ્છે છે તો યુકે સરકાર પાસેથી તેનો પાસપોર્ટ પરત મેળવવાના પ્રયત્નો કરાશે પણ ગમે તેમ કરી તેને ભારત પરત લવાશે.
જોકે આ અંગે મિડીયાને જણાવતા માલ્યાએ કહ્યું કે, હું કોઈપણ મુદા પર કોઈ પણ પ્રકારની કમેન્ટ કરવા નથી માંગતો. ભારતીય મિડીયામાં ચાલી રહેલી આવી ખબરો હાસ્યાસ્પદ છે. જો આવું કંઈ પણ કહ્યું નથી અને જો મેં એવો કોઈ નિર્ણય કર્યો હોય તો એના પર હું કોઈ કમેન્ટ કરવા માંગતો નથી. મિડીયા જાતે જ આવા સવાલો ઉભા કરે છે અને જાતે જ તેના જવાબ શોધે છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ૨૨ જુને કર્ણાટક હાઈકોર્ટની સામે માલ્યાએ ૫૦૦થી વધારે પેજની એક એપ્લીકેશન આપી હતી જેમાં તેણે ૧૩,૯૦૦ કરોડની સંપતિને પોતાના લેણદારોના પૈસા પરત કરવા વેચવાની વાત કરી હતી. ત્યારબાદ તેણે મિડીયા સામે કહ્યું હતું કે, ૨૦૧૬થી જ તેઓ બેંકોની લોન ચુકવવા માટે ઓફર આપી રહ્યા છે. માલ્યા ઉપર ૧૭ ભારતીય બેંકોના ૧૦ હજાર કરોડ રૂપિયા ચાંઉ કરી જવાનો આરોપ છે.
જુનમાં માલ્યાએ એપ્રિલ ૨૦૧૬માં લખેલા પત્રો પણ બતાવ્યા હતા. જે તેમણે બેંક લોન ચુકવવા બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફાઈનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલીને લખ્યા હતા. આ ઉપરાંત માલ્યાએ ૨૬ જુને ટવીટ કર્યું હતું કે, સીબીઆઈ અને ઈડીની ચાર્જશીટમાં કથિતરૂપે આરોપ લગાવાયો છે કે હું બેંકોની લોન પરત કરવા નથી માંગતો હું ૨૦૧૬થી જ બેંક લોન ચુકવવા અને સમગ્ર મામલો ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. હવે મેં આ સમગ્ર મામલો માનનીય કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ છે તો આ મામલે મારી દુર્ભાવના કયાં છે ?