પાંચ પૈકી બે પંપ બંધ : ચાલુ રહેલા ૩ પંપો બહાર ૧ કીમી સુધીની લાઈનો લાગી : ૧૭૦૦ રિક્ષાચાલકોની રોજીરોટી પર અસર
મોરબી જિલ્લામાં સીએનજી પંપોની હડતાલના બીજે દિવસે રીક્ષાચાલકોની હાલત કફોડી બની છે. જિલ્લાના પાંચ પૈકી બે પંપો બંધ રહેતા બાકી વધેલા ત્રણ પંપોમાં રિક્ષાચાલકોની એક એક કીમી લાંબી લાઈનો લાગી રહી છે. ૧૭૦૦ જેટલા રિક્ષાચાલકોનો સમય લાઈનોમાં વેડફાટા તેઓની રોજી રોટી પર અસર પડી છે.
સીએનજી ગેસમાં પણ પેટ્રોલ અને ડીઝલ જેટલું વધુ કમિશન આપવાની માંગ સાથે સીએનજી પંપના સંચાલકો દ્વારા હડતાલ શરૂ કરવામાં આવી છે. આ હડતાલને બે દિવસ જેટલો સમય થયો છે. ત્યારે સીએનજી ગેસથી રીક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સીએનજી પંપોની હડતાલના કારણે રિક્ષાચાલકોની રોજીરોટી પર અસર સર્જાઈ છે.
મોરબી જિલ્લામાં સીએનજી ગેસના કુલ ૫ પંપ આવેલા છે. જેમાંથી મહેન્દ્રનગર અને પીપળી ગામના બે પંપો હડતાલના કારણે છેલ્લા બે દિવસથી બંધ છે. જ્યારે પેટ્રોલ અને ડીઝલ સાથે સીએનજી ગેસનું વેચાણ કરતા મોરબી, ટંકારા અને વાંકાનેરના પંપો ચાલુ છે. ચાલુ રહેલા આ ત્રણ સીએનજી ગેસના પંપોમક રીક્ષા ચાલકોની ભારે ભીડ જોવા મળે છે.
ત્રણેય સીએનજી ગેસના પંપોની બહાર રિક્ષાચાલકોની એક એક કીમી લાંબી લાઈનો જોવા મળે છે. વહેલી સવારથી જ રિક્ષાચાલકો ગેસ પુરાવવા માટે લાઈનો શરૂ કરી દે છે. રીક્ષાચાલકોનો મોટાભાગનો સમય ગેસ પુરાવવામાં જ વેડફાઈ જતા તેઓની રોજીરોટીને પણ અસર પહોંચી છે. આ ઉપરાંત સીએનજી કીટ ધરાવતા બીજા અનેક વાહનોને નાછૂટકે પેટ્રોલ મારફતે પોતાનું વાહન ચલાવવાની ફરજ પડી છે.