માંગરોળના કરાળ પા સીમ વિસ્તારમાં ખેતીની ફળદ્રુપ જમીનમાં ભુતકાળમાં ઘમઘમતી લાઈમ સ્ટોનની ખાણ અને તાજેતરમાં પડેલા ભારે વરસાદથી ખેતરોમાં આવવા-જવાનો એક માત્ર ગાડામાગઁ ધોવાઈ ગયો છે. ચાલીને પણ માંડ નીકળી શકાય તેવી ભયજનક સ્થિતિ વચ્ચે રાત્રીના અંધકારમાં ખેડુતો માટે જીવનું જોખમ ઊભું થયું છે. તો બીજી તરફ ખેત ઉત્પાદનને બજારમાં વેંચવા કેમ લઈ જવા? તે પણ એક સવાલ ખડો થયો છે.
અત્રેના મકતુપુર સિમાડે ખેતીની પીયત જમીનમાં પથ્થરની ખાણ ખોદવાની પેરવી શરૂ થઈ હતી. જે અંગે ખેડુતોએ હાઈકોટઁનો આશરો લીધો હતો. છએક માસ પહેલાં હાઈકોટેઁ અહીં ખનન પર સ્ટે આપ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં જમીનમાં ૧૫ થી ૨૦ ફુટ ઊંડો ખાડો કરી નાંખવામાં આવ્યો હતો. હાલમાં ધોધમાર વરસાદને લીધે રસ્તાનો કેટલોક ભાગ આ વિવાદિત ખાણમાં ધસી ગયો છે. મોટર સાયકલ પસાર થઈ શકે તેટલી જગ્યા માંડ બચી છે. રાત્રીના સમયે અજાણી વ્યક્તિ પસાર થાય અને પાણીમાં ખાબકે તો ગંભીર દુઘઁટના સજાઁવાની સ્થિતિ ઊભી થઈ છે.
આ વિસ્તારના ખેડુતોએ મામલતદારને આવેદન પાઠવી રજુઆત કરી છે કે અહીં ખાણની બાજુમાં જ દુધતલાવડી નામનું તળાવ આવેલું છે. વરસાદમાં તે ઓવરફલો થતા આ ખાણમાંથી થઈને મોટા પ્રમાણમાં પાણી વહેતું હોય છે. હાલમાં ભારે વરસાદમાં આવેલા પુરમાં આ ગાડા માગઁ ખાણમાં ધસી ગયો છે. આગામી દિવસોમાં પીયતવાળા ખેતરો અને નાળીયેરીના બગીચાઓના ધોવાણની પણ દહેશત વ્યક્ત કરી આ વિવાદિત ખાડો બંધ કરાવી, રસ્તો તાત્કાલિક ધોરણે રીપેર કરી આપવા માંગ કરી છે.