જળસંચય, વિકાસ, સડક, ખાનગી સોસાયટી, આગવી ઓળખના કામો, ઓકટ્રોય વળતર ગ્રાન્ટ, શિક્ષણ ઉપકર અંતર્ગત ગ્રાન્ટ ફાળવાઈ
ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા ગુજરાતનો ચોતરફથી વિકાસ થઈ રહ્યો છે ત્યારે રાજયની ૧૬૨ નગરપાલિકા તથા ૮ મહાનગરપાલિકામાં વસવાટ કરતા લોકોને પ્રાથમિક સુવિધાઓથી લઈ માળખાકિય અને આંતરમાળખાકિય સુવિધાઓ પ્રાપ્ત થાય તેવા આશયથી છેલ્લા ત્રણ માસમાં એટલે કે તા.૧/૪/૧૮ થી લઈ ૩૦/૬/૧૮ સુધીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રૂ.૧૮૬૧.૫૦ કરોડની ગ્રાન્ટની મંજુરી અને ફાળવણી કરવામાં આવેલ છે.
જેમાં ખાસ કરી સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આઠ મહાનગરપાલિકાઓના વિકાસ કામો માટે રૂ.૧૩૨૫.૪૬ કરોડ તથા નગરપાલિકાઓને રૂ.૫૨૨.૭૦ અને સતામંડળોને ૧૩.૩૪ કરોડની રકમ મંજુર કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે.
તેમજ રાજયની આઠ મહાનગરપાલિકાઓને તેમજ ૧૬૨ નગરપાલિકાઓને આગવી ઓળખના કામ માટે ૪.૭૯ કરોડની ગ્રાન્ટ, વિકાસના કામો માટે મહાનગરપાલિકાઓને ૩૯૮.૪૦ કરોડ, નગરપાલિકાઓને ૯૮.૩૮ કરોડ, સડકના કામો માટે મહાનગરપાલિકાને ૨૪૧.૫૦ કરોડ, નગરપાલિકાઓને ૨૫૮.૫૦ કરોડ ખાનગી સોસાયટીઓના કામ માટે મહાનગરપાલિકાઓને ૨૫.૯૪ તેમજ નગરપાલિકાને ૩.૬૨ કરોડ, જળસંચય અભિયાન અંતર્ગત નગરપાલિકાઓને ૪૮.૭૫ કરોડ, શિક્ષણ ઉપકર માટે મહાનગરપાલિકાઓને ૭૫.૩૨ કરોડ ફાળવવામાં આવેલ છે.
જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર મહાનગરપાલિકાનો સમાવેશ કરાયો છે. તેમજ ઓકટ્રોય વળતર અંતર્ગત મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓને ૬૯૦.૯૮ કરોડની ગ્રાન્ટ ચુકવવામાં આવેલ છે. આમ ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા છેલ્લા ત્રણ માસમાં ૧૮૬૧.૫૦ કરોડની ગ્રાન્ટ નગરપાલિકા તથા મહાનગરપાલિકાઓના વિકાસ માટે ફાળવવામાં આવેલ છે.
અંતમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હંમેશા છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધાઓ મળે અને અંત્યોદયની ભાવના સાકાર થાય તે માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. ભાજપ સરકાર એટલે એવી સરકાર-વ્યવસ્થા તંત્ર કે જે નાગરિકોના સુખ-દુ:ખની ચિંતા કરે છે, નાગરિકોની સમસ્યા, સંવેદનશીલતાથી હલ કરે છે.
જનકલ્યાણના હેતુથી કાર્ય-યોજનાઓ ઘડે છે અને અમલમાં મુકે છે અને છેવાડાના માનવી સુધી યોજનાઓના લાભો પહોંચાડે છે ત્યારે લોકોની સુખાકારી જળવાય રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી સરકાર દ્વારા અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે.