રાજયમાં દારૂબંધીને કારણે ૯૮૬૪ કરોડનું નુકસાન થતું હોવાનું જણાવતા મુખ્યમંત્રી રૂપાણી
ગાંધીના ગુજરાતમાં દારૂના વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવાથી રાજયને વર્ષે ૯૮૬૪ કરોડનું નુકસાન થતું હોવાથી આ નુકસાન ભરપાઈ કરવા ૧૫માં નાણાપંચ સમક્ષ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રજુઆત કરી હતી. પ્રત્યુતરમાં નાણાપંચના ચેરમેન એન.કે.સિંહે આ સંદર્ભે વિચારણા કરી નિર્ણય લેવાશે તેવો જવાબ આપ્યો હતો.
૧૫મુ નાણાપંચ ગુજરાતના ત્રણ દિવસનાં પ્રવાસે આવ્યું છે ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાણાપંચ સમક્ષ અનેક બાબતોને લઈ રજુઆત કરી હતી. જેમાં મહત્વપૂર્ણ રજુઆતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મેમોરેન્ડમ સાથે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંપૂર્ણપણે દાબંધીને કારણે વર્ષ દહાડે ૯૮૬૪ કરોડ જેટલી આવક ગુમાવી પડે છે. ગુજરાતની જેમ જ બિહાર પણ દારૂબંધીને કારણે કરવેરાની આવક ગુમાવી રહ્યું હોય કેન્દ્ર સરકાર દ્વારા આ નુકસાન ભરપાઈ કરી આપવા માંગણી કરી હતી.
દરમિયાન ૧૫માં નાણાપંચના ચેરમેન એન.કે.સિંહે દારૂબંધી વળતર અંગે જણાવ્યું હતું કે, આ બાબત વિચારણા હેઠળ છે અને પરામર્શ બાદ ગુજરાતને થતી નુકસાની અંગે નિર્ણય લેવામાં આવશે. વધુમાં નાણાપંચ દ્વારા ગુજરાત સરકારને નેશનલ ડિઝાસ્ટર રીલીફ ફંડ મામલે પુન:ગઠન કરવા ભલામણ કરી હતી. આ તકે રાજય સરકાર દ્વારા છેલ્લા દાયકાઓમાં વિજળી પડવાથી થતા મોત અંગે રાહત ફંડમાંથી નાણા ફાળવવાની છુટછાટ આપવા પણ સરકાર દ્વારા માંગ કરવામાં આવી હતી.
દરમિયાન કેન્દ્રના ૧૫માં નાણાપંચે ગુજરાતના આર્થિક દેખાવની પ્રશંસા કરી અન્ય રાજયોમાં પણ ગુજરાત જેવો આર્થિક વિકાસ અને દેખાવ સરકાર તે રીતે વર્તવા પર ભાર મુકયો હતો જોકે નાણાપંચે ગુડસ એન્ડ સર્વિસ ટેકસ રાજય સરકાર માટે પડકારપ ગણાવ્યો હતો.