૧૦ વર્ષ પહેલા નિયત કરાયેલ ૮ રૂપિયા ભાડુ આજે પણ યથાવત: ભાડુ વધારવાની અનેક રજુઆતો પરંતુ કોઈ પરીણામ નહીં
દેશના ચારધામ પૈકીનું એક અતિ પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકાની જલ યાત્રા માટે ઓખાથી બેટ વચ્ચે ૧૬૦ જેટલી પેસેન્જર બોટો ચાલે છે જેનું સંચાલન ગુજરાત મેરીટાઈમ બોર્ડ ઓખા દ્વારા કરવામાં આવે છે. છેલ્લા ૧૦ વર્ષ ઉપરાંતથી બેટ ઓખા વચ્ચે ચાલતી પેસેન્જર ફેરી બોટનું ભાડુ રૂ.૮ સરકાર દ્વારા જે-તે વખતે નકકી કરાયેલ તે વખતે ડિઝલનો ભાવ એક લીટરનો ૩૪ હતો ત્યારબાદ ઉતરોતર મોંઘવારી વધતા જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ સાથે પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા આજે ૭૪ પહોંચ્યા છે પરંતુ આજે પણ ૧૦ વર્ષ પહેલા જે ભાવ હતો તે જ છે. આજદિન સુધી પેસેન્જર ભાડામાં કોઈ જ ભાવ વધારો આપવામાં આવેલ નથી. આ અંગે અવાર નવાર લેખિત તથા મૌખિક રજુઆતો કરવા છતાં એક જવાબ મળે છે. તમારી ફાઈલ સરકારને મોકલેલ છે ત્યાંથી આવશે ત્યારે થશે ! છેલ્લા એક વર્ષથી આવું જ જણાવવામાં આવે છે. આજે બોટો એક અઠવાડિયા સુધી વારો ન આવતા એમને એમ પડી રહે છે અને ભાડાના હિસાબે ખોટમાં ચાલે છે. હજારો ખલાસીની રોજીરોટીનો મોટો પ્રશ્ર્ન ઉભો થયો છે ત્યારે આજે તમામ પેસેન્જર બોટ માલિકો તથા ટંડેલો એ ગુજરાત મેરી ટાઈમ બોર્ડની કચેરીએ લેખિત આવેદનપત્ર આપી તા.૧ ઓગસ્ટથી અચોકકસ મુદત સુધી જયાં સુધી માંગણી ન સંતોષાય ત્યાં સુધી તમામ બોટો બંધ કરવાની ઉગ્ર રજુઆત પણ કરી છે. પોર્ટ ઓફિસર આ અંગે તુરત ઘટતુ કરવા બાંહેધરી આપી છે.