તહેવારોની મોસમ આવતા સહેલાણીઓની સંખ્યામાં પણ વધારો
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સંચાલીત ઈશ્વરીયા પિકનીક પાર્કમાં મેઘમહેરને કારણે તળાવમાં ભરચક પાણી આવતા બોટીંગ શરૂ થયું છે અને બોટીંગ શરૂ થતા છેલ્લા કેટલાક મહિનાઓથી ખોટના ખાડામાં ગરક થયેલ ઈશ્વરીયા પાર્કની આવકમાં તોતીંગ વધારો પણ થવા પામ્યો છે. ગઈકાલે રવિવારે સહેલાણીઓ ઉમટી પડતા તંત્રને એક જ દિવસમાં રૂ.૫૦ હજારની આવક થવા પામી છે.
જાણવા મળતી વિગતો મુજબ શહેરની ભાગોળે માધાપર નજીક આવેલા જિલ્લા વહીવટી તંત્ર સંચાલિત ઈશ્વરીયા પિકનીક પાર્કમાં ઉનાળાને કારણે તળાવમાં પાણી સુકાઈ જતાં છેલ્લા ઘણા સમયી દૈનિક આવકમાં ઘટાડો થઈ ગયો હતો. પરંતુ તાજેતરમાં પડેલા વરસાદને કારણે તળાવમાં પાણીની ચીકકાર આવક થતા પુન: બોટીંગની સુવિધા શરૂ થઈ ગઈ છે અને બોટીંગ સુવિધા શરૂ થતાં જ સહેલાણીઓનો પ્રવાહ વધવા પામ્યો છે.
વધુમાં ઈશ્વરીયા પિકનીક પાર્કના સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે રવિવારના કારણે માનવ મહેરામણ ઉમટી પડતા એક જ દિવસમાં પાર્કની આવક ૫૦ હજારનો આંકડો પાર કરી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, બોટીંગ બંધ હોવાના કારણે પાર્કની દૈનિક આવક માંડ ૩૦ હજાર જેટલી થતી હતી. તેવામાં તહેવારોની મૌસમ આવવાની સાથો સાથ બોટીંગની સુવિધા શરૂ થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો છે.