ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઇક્કો કાર ભાડે બંધાવી કુવાડવા નજીક કાર ચાલકને ફાકીમાં કેફી પદાર્થ ખવડાવી રૂ.૩૧,૫૦૦ની લૂંટ ચલાવવાના ગુનામાં સંડોવાયેલા અમદાવાદના શખ્સને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી તેના સાગરીતની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ એરપોર્ટ નજીક આવેલા કુબેરનગરના કૈલાશ બીજલ સોલંકી નામનો શખ્સ દસેક દિવસ પહેલાં ગ્રીન લેન્ડ ચોકડી પાસે ઇક્કો કાર ભાડે કરી કુવાડવા જવા નીકળ્યા બાદ રસ્તામાં ફાકીમાં કેફી પદાર્થ ખવડાવી બેભાન કરી રૂ.૪૫૦૦ રોકડા, રૂ.૨૦ હજારની કિંમતનું ચાંદીનું કડુ અને રૂ.૭ હજારની કિંમતનો મોબાઇલ મળી રૂ.૩૧,૫૦૦ની લૂંટના ગુનામાં સંડોવાયો હોવાની અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. ડી.પી.ઉનડકટ, એએસઆઇ વિજયસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા અને પ્રતાપસિંહ ઝાલા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.
કૈલાશ બીજલ સોલંકી કેફી પદાર્થ ખવડાવી રાજયભરમાં લૂંટ કરતો હોવાની અને તેની સાથે અમદાવાદના રમેશ સવજીનામનો શક્સ સંડોવાયો હોવાની કબૂલાત આપતા પોલીસે રમેશ સવજીની શોધખોળ હાથધરી છે.