નદીના પાણી છલકાઇને ઉમરાછી અને મોટા બોરસરાની પ્રાથમિક શાળામાં ફરી વળ્યા
કીમ પંથક અને વિસ્તારમાં સતત વરસાદ વચ્ચે ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદી ગાંડીતૂર બનતા કાંઠાના ગામોના રસ્તા અને ખેતરોમાં ફરી વળતા કીમ નદીમાં પૂરનું સંકટ ઉભું થયું હતું. કીમ નદી કાંઠાના ઓલપાડના, ઉમરાછી, કીમામલી, કઠોદરા સહિત અને માંગરોળના મોટા બોરસરા સહિત ગામ લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. બંને તાલુકાનું સરકારી તંત્ર પણ દેખરેખ રાખી રહ્યું છે, તો સ્થાનિક ગ્રામજનો પણ સલામતીનાં પગલાં ભરી રહ્યાં છે. મોટા બોરસરાથી નરોલી જતો માર્ગ પુલિયા પર પાણી ફરી વળતાં બંધ થઈ ગયો છે. કીમ નદીમાં સતત વધતાં પાણીથી માર્ગ અને ગામોના પાદર સુધી આવતા વાહન વ્યવહાર બંધ થતાં હાલાકી વેઠવાની નોબત લોકોના માથે આવી છે.
નદી વોર્નિંગ લેવલ નજીક પહોંચતાં તંત્રને સ્ટેન્ડ બાય રખાયું
કોસંબા | ઉપરવાસમાં ભારે વરસાદ તેમજ શાહ વસરાવી ગામે ચેકડેમમાં પડેલા ગાબાડને કારણે કીમ નદીમાં પાણીનું જળસ્તર વધતા સાંજે 6.30 વાગ્યે મોટી નરોલી ખાતે કીમ નદીની જળસપાટી 10.40 મીટર નોંધાઈ હતી. ભયજનક સપાટી 13 મીટર છે. પરંતુ કીમ નદીમાં વધતા જળસ્તરને કારણે કીમ નદીના આજુબાજુના લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. આ અંગે માંગરોળના મામલતદાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે હાલ કોઇ પર ગામમાં સ્થળાંતર કરાયું નથી. પરંતુ તંત્રને એલર્ટ પર મુખ્યું છે. લિંબાડા, આસરમા, વેલાછા, હથોડા, મોટી નરોલી, પાલોદ, લુવારા, કોથવા, સીમોદ્રા, રણકપોર વગેરે ગામોના તલાટીઓને સાવચેત રહેવાની સૂચના આપી છે.